Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ભાવનગરના બોરતળાવના દબાણો દુર કરવાની માંગ સાથે મેયર ચેમ્બર બહાર વિપક્ષના ધરણા

મનપાએ દબાણ દૂર કરવા તૈયારી કરી તેવામાં વિપક્ષ લિબિડ જશ ખાટવા નાટક કરતુ હોવાનો સાશકપક્ષનો આક્ષેપ

ભાવનગર: શહેરના બોરતળાવની વોટર બોડીની જગ્યામાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે. લાંબા સમયથી કરવામાં આવેલા આ દબાણો જેને દુર કરવા હાલના ભાજપના શાસકો નાકામ રહ્યા છે. મહાનગરપાલિકાની સાધારણ સભામાં આ દબાણો બે માસમાં દુર કરવાની વિપક્ષે આપેલી ચીમકી બાદ પણ દુર ના થતા આજે વિપક્ષ દ્વારા મેયરની ચેમ્બર બહાર ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

. આ બાબતે મહાનગરપાલિકા ની સાધારણસભામાં અનેક વાર પ્રશ્નો પર ઉઠ્યા હતા અને જેના જવાબમાં બે મહિના માં આ દબાણો દુર કરવાની ચીમકી વિપક્ષે આપી હતી. જેમાં બે માસ વીતી જવા છતાં આ દબાણો હજુ યથાવત છે. ત્યારે આજે વિપક્ષે મેયર ની ચેમ્બર બહાર ધરણા યોજી સુત્રોચ્ચાર કર્યા હતા અને જો આ દબાણો દુર નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

  આ તકે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન યુવરાજસિંહે કહ્યું કે આ દબાણો દુર કરવાની અમોએ તૈયારી કરી નાખી છે. ત્યારે વિપક્ષ દ્વારા લીંબડ જશ ખાટવા આ ધરણા નું નાટક કરી રહી છે. આગામી દિવસોમાં આ દબાણો ચોક્કસ દુર કરવામાં આવશે

  .બોરતળાવના દબાણો દુર કરવા બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ નિર્દેશ કરી આ દબાણો દુર કરવા હુકમ કરવામાં આવ્યો છે પરંતુ સત્તાના નશામાં ચુર નેતાઓ અને અધિકારીઓની મિલીભગત ના પાપે આ દબાણો આજદિન સુધી દુર કરવામાં આવ્યા નથી. રાજ્યવિલીનીકરણ સમયે જે સ્થિતિમાં આ તળાવ હતું તે સ્થિતિમાં ફરી સ્થાપિત કરવાના હુકમની અવગણના કરનાર આ શાસકો સામે તાકીદે પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(10:19 pm IST)