Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલનો આપઘાત

બંનેએ સસ્પેન્ડ થવાથી મુંઝવણમાં આવીને આત્મઘાતી પગલુ ભરી લેતા અરેરાટી

જૂનાગઢ, તા. ૧૯ :. જૂનાગઢ જિલ્લાના માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન સસ્પેન્ડ કરાયેલા બે કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ જયદીપ પરમાર અને સાદીક ઉંમરભાઈ નાગોરી ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેઓ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ બાદ બંને પોલીસ ઘણા સમયથી ગૂમશૂમ રહેતા હતા. આ દરમિયાન આજે સવારે બંનેએ ઝેરી ટીકડા ખાઈને મોતને મીઠુ કરી લીધુ હતું.

જયદીપભાઈ પરમારે કેશોદ પાસેની વાડીએ અને સાદીક નાગોરીએ વંથલી નજીક આવેલી વાડીએ ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. જેમાં જયદીપભાઈનું કેશોદની સરકારી હોસ્પિટલમાં જયારે સાદીક નાગોરીનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.

આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે આઈ.જી.પી. મનિન્દર પ્રતાપસિંગ પવાર, પોલીસ અધિક્ષક સૌરભસિંઘ સહિતનાની આગેવાનીમાં પોલીસ કાફલો આ બનાવ અંગે તપાસ કરી રહ્યો છે.  અલગ અલગ બે જગ્યાએ પોલીસ કર્મચારીના આપઘાતના બનાવથી પોલીસ બેડામાં અરેરાટી વ્યાપી ગઈ છે.

એક મહિના પહેલા બન્ને સામે એફ.આર.આઈ. થયા બાદ સસ્પેન્ડ કરાયા'તાઃ પોલીસ અધિક્ષક સૌરભસિંઘ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૯ :. માંગરોળ મરિન પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓએ અલગ અલગ જગ્યાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

આ બનાવ અંગે જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભસિંઘે અકિલાને જણાવ્યુ હતુ કે બન્ને કર્મચારીઓના આપઘાતના બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને કયા કારણોસર આપઘાત કર્યો ? તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

બન્ને કર્મચારીઓ સામે એફ.આર.આઈ. થયા બાદ બન્નેને એક મહિના પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જયદીપ પરમારના આપઘાતથી પત્નિ અને બે સંતાનોએ છત્રછાંયા ગુમાવી

જૂનાગઢઃ માંગરોળના બે પોલીસ કર્મચારીઓએ આપઘાત કરી લેતા આ બનાવથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જયદીપ પરમારના મોતથી તેમના પત્નિ તથા એક પુત્ર અને એક પુત્રીએ છત્રછાંયા ગુમાવી છે.

(3:35 pm IST)