Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

બોટાદમાં આધ્યાત્મિક સંકુલ પાટોત્સવ અંતર્ગત ત્રિવેણી સત્સંગ સભાનું આયોજન

બોટાદ, તા. ૧૯ : શ્રી તન્મય દ્વારા નિર્માણાધીન શ્રી આધ્યાત્મિક સંકુલ, ભાવનગર રોડ, બોટાદ ખાતે તા. ર૯-૩૦-૩૧ ડિસેમ્બર ર૦૧૯ દરમિયાન ત્રિ-દિવસીય પાટોત્સવ-ધર્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા સ્વ.પ.પૂ. દેવપ્રસાદ જોશી કે જેઓએ શૈક્ષણિક, ધાર્મિક, આધ્યાત્મિક તેમજ સામાજીક જેવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં જ પ્રવૃત્ત રહી, તેમનું સમગ્ર જીવન વિતાવ્યું હતું. તેઓના અથાગ પ્રયાસોના પરિણામ સ્વરૂપ સંસ્થાના પ્રાગણમાં સંકલ્પસિદ્ધ શ્રી પ્રસાદેશ્વર મહાદેવ તથા શ્રી રામ-લક્ષ્ણ-જાનકીજી અને શ્રી રાધા-ક્રિશ્નના મૂર્તિ સ્વરૂપો પ્રસ્થાપીત છે, જેની પણ પ્રતિષ્ઠા જે તે વર્ષની ૩૧મી ડિસેમ્બરના રોજ થઇ હોવાથી સંસ્થા ૩૧ ડિસેમ્બરને 'વાર્ષિક પાટોત્સવ દિન' તરીકે ઉજવે છે.

આ વર્ષે આયોજીત પાટોત્સવ સમારોહમાં ત્રણેય દિવસ વકતાશ્રી પ.પૂ. ચંદ્રકાન્તભાઇ શાસ્ત્રી (સુરત)ના વ્યાસસ્થાને બપોરે ર થી પ 'ત્રિવેણી સત્સંગસભા' તેમજ તા. ર૯ને રવિવારના રોજ સવારે ૯ કલાકે શ્રી ગાયત્રી યજ્ઞ અને સાંજે પ કલાકે ભગવાનશ્રી સત્યનારાયણદેવની કથા તેમજ તા. ૩૦ને સોમવારના રોજ રાત્રે સંકલ્પસિદ્ધ શ્રી પ્રસાદેશ્વર મહાદેવનું શ્રી લઘુરૂદ્ર પૂજન તથા તા. ૩૧ને મંગળવારના રોજ સવારે ૯ કલાકે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ છે. બોટાદ શહેર તથા આજુ બાજુના તમામ વિસ્તારના ભાીવકોને આ ધર્મોત્સવમાં જોડાવા અને લાભાન્વિત થવા સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

(11:50 am IST)