Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

જુનાગઢ તળેટીમાં યોજીત ઝડપી ચાલ સ્પર્ધામાં જોષી દંપતિએ મેદાન માર્યું

જુનાગઢ તા.૧૯: જુનાગઢના ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે તાજેતરમાં પંડિત દિન દયાળ પર્વતારોહણ કેન્દ્ર ખાતે  સિનિયર સિટીઝન મંડળ દ્વારા ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં આશરે ૯૦ થી વધારે સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધેલ.

સ્પર્ધામાં જુનાગઢના ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ પી.જી.વી.સી.એલ.ના નિવૃત કર્મચારી ૭૩ વર્ષના, રાજયકક્ષાની એથ્લેટીકસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા, ઝડપી ચાલના માસ્ટર ચેમ્પિયન શ્રી દિનેશભાઇ જે. જોષીએ ૭૦ થી ૮૦ વયની કેટેગરીમાં ૧૪ સ્પર્ધકોમાંથી, બે કિલોમીટરની ઝડપી ચાલ સ્પર્ધામાં યુવાન જેવું જોમ-જોસ દાખવી પ્રથમ નંબર મેળવેલ છે.

જયારે તેમના પત્ની ૬પ વર્ષના શ્રીમતી તરૂબેન ડી. જોષીએ ૬૦ થી ૭૦ વયની કેટેગરીમાં ર૦ બહેનોમાંથી, ત્રણ કિલોમીટરની ઝડપી ચાલમાં ભરપુર ઉત્સાહ દાખવી બીજો નંબર પ્રાપ્ત કરેલ છે.

આ બ્રાહ્મણ દંપતીની સિધ્ધિ બદલ સિનિયર સિટીઝન મંડળે પ્રમાણપત્રો  ઇનામ આપી તેઓનું સન્માન કર્યું હતું.

આ દંપતીએ શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિનું અને સિનિયર સિટીઝન મંડળ જુનાગઢનું ગૌરવ વધારેલ છે.

(11:49 am IST)