Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

પોરબંદર ખાસ જેલના કેદીઓને અગરબતી બનાવવાની તાલીમ

પોરબંદર તા.૧૯ : એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર સંસ્થા દ્રારા પોરબંદર ખાસ જેલ ખાતે ૧૦ દિવસીય સ્વરોજગાર તાલીમ યોજાઇ છે. જેમા ૨૧ જેટલા તાલીમાર્થીઓ અગરબતી બનાવવાની રીત શીખી રહ્યા છે.

     જેલમાથી છુટ્યા બાદ કેદીઓ સમાજમાં પોતાનું દ્યડતર કરી સ્વરોજગારી મેળવી શકે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. આ માટે જેલ સુધારણા કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે પોરબંદરની ખાસ જેલમા સજા ભોગવતા કાચા અને પાકા કામના કેદીઓ માટે અગરબતી કઇ રીતે બનાવવી તે માટે ૧૦ દિવસીય તાલીમ યોજાઇ છે.

      આ સંદર્ભે જેલ અધીક્ષક શ્રી એમ. જી. રબારી તથા એસ.બી.આઇ ગ્રામ સ્વ રોજગાર તાલીમ સંસ્થાના ડાયરેકટરશ્રી રાજુભાઇ પોતદારે કેદીઓ માટે યોજાયેલી તાલીમ સંદર્ભે જણાવ્યું કે, જેલમાથી છુટ્યા બાદ કેદીઓને સરળતાથી સ્વરોજગારી મળી શકે, તેઓનું પુનસ્થાપન થઇ શકે,  ફરી પાછા તેઓ ગુનાહિત પ્રવૃતિમાં જોડાવાનાં બદલે પોતે લીધેલી તાલીમનો રોજગારી માટે ઉપયોગ કરીને પોતાની તથા પરિવારની આર્થિક, સામાજિક, જવાબદારી ઉઠાવી શકે તે માટે આ પ્રકારની તાલીમ યોજવામાં આવી છે. ગુજરાત સરકારનો ઉદેશ્ય પણ એ જ છે કે, કેદીઓ જેલમાં કઇક સારી પ્રવૃતિઓ શીખીને સજા પુર્ણ કર્યા બાદ તેઓનું પુનસ્થાપન થાય તે માટે સ્વરોજગારલક્ષી વિવિધ તાલીમ આપવામાં આવતી હોય છે.

તાલીમ મેળવતા મોહનભાઇ મકવાણાએ કહ્યુ કે, હં દરરોજ સવારે નાસ્તો કરીને ૯ વાગાથી બપોરના ૧ વાગા સુધી અગરબતી કેમ બનાવવી, તેને સુંગધી બનાવવા શું ઉમેરવું તેનો કાચો માલ સહિતની કામગીરીથી વાકેફ થયો છું.

            તાલીમાર્થી રાજેશભાઇ કાનાણીએ કહ્યુ કે, હું છેલ્લા ૬ દિવસથી અગરબતી બનાવવાની કામગીરી સાથે જોડાયો છું. માસ્ટર ટ્રેનર હિતેશભાઇ પાંજરીના માર્ગદર્શન થકી હું અગરબતી બનાવતા શીખ્યો છુ. અહીથી બહાર નિકળ્યા બાદ સ્વરોગારી માટે તથા મારા પોતાના દ્યર માટે પણ હું અગરબતી બનાવી તેનું વેચાણ કરીને રોજગારી મેળવીશ, અગરબતી બનાવવા માટે આર.સેટી તથા જેલ સ્ટાફ તાલીમાર્થીઓને સતત પ્રોત્સાહન આપતા રહે છે. જેના થકી અમે અગરબતી બનાવતા સરળતાથી શીખી ગયા છીએ.

(11:48 am IST)