Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ભાવનગરમાં પટેલ આધેડના હાથ-પગ બાંધી મોઢે ડુચો દઇને હત્યા

દિલીપભાઇ પટેલ નામના લેઉવા પટેલ વૃધ્ધનાં ઘરમાંથી રોકડ-ઘરેણાની લૂંટ ચલાવીને લૂંટારૂઓ નાસી છૂટયા

ભાવનગરઃ પટેલ આધેડના હાથ-પગ બાંધી મોઢે ડુચો મારી છરીનાં ઘા ઝીંકી કરપીણ હત્યા કરી કબાટમાંથી લુંટ ચલાવી આરોપીઓ નાસી છુટતાં ખળભળાટ મચી ગયો છે અને પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

ભાવનગર તા. ૧૯: ભાવનગર શહેરનાં કણબીવાડ વિસ્તારમાં રહેતાં પટેલ આધેડના હાથ-પગ બાંધી મોઢે ડુચો મારી છરીનાં ઘા ઝીંકી ઠંડે કલેજે હત્યા કરી કબાટમાં રહેલ રોકડ તથા ઘરેણાની લૂંટ ચલાવી આરોપીઓ નાસી છુટતાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો.

ખુન-લુંટનાં આ બનાવની મળતી વિગતો મુજબ શહેરમાં કણબીવાડ વિસ્તારમાં લેઉવા પટેલની વાડીની બાજુમાં લાખાવાડમાં રહેતાં દિલીપભાઇ પટેલ ઉ.વ. ૬૦ નામનાં લેઉવા પટેલ આધેડ તેનાં ઘરે એકલા જ રહે છે. તેનાં પત્ની અને પુત્ર સુરત રહે છે જયારે પુત્રીનાં લગ્ન થયેલ હોય તે સાસરે છે.

દરમ્યાન એકલા રહેતાં દિલીપભાઇ  પટેલ તેના ઘેર સુતા હતા ત્યારે મોડી રાત્રે અથવા વહેલી સવારે કોઇ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી દિલીપભાઇના મોઢે ડુચો મારી હાથ-પગ દરોડાથી બાંધી દઇ છરી વડે તેના પર હુમલો કરી હત્યા કરી નાખી હતી.

ઘરમાં રહેલો કબાટ વેરવિખેર હોય હત્યાઓએ ઘરના કબાટમાંથી રોકડ-ઘરેણાની લૂંટ પણ ચલાવી હોવાની સંભાવત છે. આ બનાવની આજે સવારે જાણ થતા જ સી ડીવીઝન પોલીસ, એલ.સી.બી.પોલીસ, એસ.ઓ.જી., ડોગસ્કવોડ, એફએલએસ.ની ટીમ સહિતો કાફલો તથા એસ.પી. માહિપાલસિંહ રાઠોડ સીટી ડીવાયએસપી મનીષ ઠાકર સહિતના પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે દોડીગયા હતા અને તપાસ હાથ ધરી છે. મૃતક દિલીપભાઇનાં પત્ની અને તેનો પુત્ર સુરત રહે છે. પુત્ર પરણીત છે અને તે હિરાનાં કારખાને કામ કરે છે. જયારે એક પુત્રીનાં ભાવનગર લગ્ન થયેલ છે. દિલીપભાઇ ભાવનગર એકલા જ રહેતા હોવાનું અને તે શહેરનાં ખારગેટ વિસ્તારમાં કલરની દુકાને કામ કરતાં હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. આ બનાવથી કણબીવાડ વિસ્તારમાં લોકોનાં ટોળે ટોળા ઉમટી પડયા હતા અને ચકચાર જાગી હતી.

(11:25 am IST)