Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ત્રણ દિકરીને કુવામાં નાખી આપઘાત કરી લેનાર જીઆરડી જવાન સામે હત્યાનો નોંધાતો ગુનો

ભેસાણનાં ખંભાળીયા ગામની કરૂણાંતિકામાં પોલીસ કાર્યવાહી

જૂનાગઢ તા. ૧૯ :.. ત્રણ દિકરીને કુવામાં નાખી બાદમાં આપઘાત કરી લેનાર ભેસાણનાં ખંભાળીયાનાં જીઆરડી જવાન સામે ત્રણેય પુત્રીના મોત સબબ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભેંસાણ તાલુકાનંા ભેસાણ ગામે ગ્રામ રક્ષક દળનાં જવાન રસીકભાઇ દેવાભાઇ સોલંકી ઉ.૩૬ એ ગઇકાલે તેન ગામના જ લાલજીભાઇ ભુવાની વાડીનાં કુવામાં પોતાની ત્રણ દિકરીઓ રીયા (ઉ.૯), અંજલી (ઉ.૭) અને જલ્પા (ઉ.ર) ને નાખી દઇ બાદમાં રસીક સોલંકીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

આ અંગેની જાણ થતાં ગામ લોકો અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને ત્રણેય દિકરીના મૃતદેહ કુવામાંથી બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતાં.

તેમજ રસીકભાઇની લાશને પણ પીએમ માટે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કરૂણાંતિકા વખતે મૃતક યુવાની પત્ની રેખાબેન ચોથી પુત્રીનો જન્મ થતાં વિસાવદરનાં હડમતીયા ગામે પિયરમાં હતાં.

રસીકભાઇ સોલંકીનાં આત્મઘાતી પગલા પાછળનું ચોકકસ કારણ સ્પષ્ટ થયુ નથી. પરંતુ તેણે આર્થિક સ્થિતી નબળી અને ચોથી પુત્રીનો જન્મ થતાં બધાનું ભરણ પોષણ કેમ કરવુ તે ચિંતામાં રસીકભાઇએ ત્રણ દિકરીને કુવામાં નાખી બાદમાં પોતે પણ મોતને મીઠુ કરી લીધુ હોવાનું અનુમાન છે.

મરનાર રસીકભાઇ રાત્રે જીઆરડીમાં નાઇટ પેટ્રોલીંગ કરતાં અને દિવસે મજૂરી કામે જતા હતાં.

આ ઘટના અંગે મૃતકના ભાઇ વાલજીભાઇ ઉર્ફે વાલાભાઇ દેવાભાઇ સોલંકીની ફરીયાદ લઇ રસીક સોલંકી વિરૂધ્ધ પોતાની ત્રણ દિકરીએ કુવામાંલ નાખી મોતને ઘાટ ઉતારવા સબબ હેડ કોન્સ્ટેબલ એન. ડી. સોલંકીએ કલમ ૩૦ર મુજબ હત્યાનો  અને આપઘાતનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ ભેસાણનાં પીએસઆઇ એમ. સી. ચુડાસમા ચલાવી રહ્યા છે.

(11:54 am IST)