Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

વિરપુરમાં ખરાવાડ પ્લોટ વિસ્તારમાં ગૌરીનંદ ગણેશજીને 3, 20 લાખ ચલણી નોટોથી શણગાર

20થી લઇ 2000 સુધીની નોટનો ઉપયોગ ;પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ખરાવાડ કા રાજા ગણેશજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી

શહેરોમાં, ગામડાઓમાં ઠેર ઠેર પંડાલોમા ગજાનન મહારાજની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આજે દસમા દિવસે એટલે કે છેલ્લા દિવસે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિરપુરમાં ખરાવાડ પ્લોટ વિસ્તારમાં ગૌરીનંદ ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ગઇકાલે સાંજે ગણપતિબાપાને ભારતીય ચલણી નોટોથી શણગાર કરવામાં આવ્યો હતો.

ગજાનન મહારાજને 3 લાખ 20 હજાર રૂપિયાની નોટોથી ગણપતિબાપાને શણગારવામાં આવ્યા હતા. જેમાં 20થી લઇ 2000 સુધીની નોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  ભારતીય ચલણીની રૂપિયા 20થી લઈને 50, 100, 200, 500, અને 2000 રૂપિયાની નોટોથી ગણપતિદાદાની મૂર્તિને સુશોભિત કરવામાં આવી હતી. આરતીમાં ગણપતિબાપાને ચલણી નોટોના શણગારના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ખરાવાડ કા રાજા ગણેશજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. સાથોસાથ મહાપ્રસાદમાં ગણેશબાપાને છપ્પનભોગ તેમજ એકાવન કિલોનો મોદક લાડુ પણ ધરાવવામાં આવ્યો હતો.

  લાખો રૂપિયાથી શણગારેલા ગણપતિદાદાની મૂર્તિ સાથે ગણેશભક્તોએ પોતાના મોબાઈલમાં સેલ્ફી લઈ ગૌરીનંદ ગણેશજી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ગણેશજીને ચલણી નોટોથી શણગારવામાં ખરાવાડ વિસ્તારના યુવાનો તથા બહેનો તેમજ રાજુભાઈ બારૈયાએ જહેમત ઉઠાવી હતી.

(5:39 pm IST)