Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

વાહ... ધોમધખતા તાપથી નદી-નાળા સૂકાયા, પણ લુવારા ગામે 'વિરડા'માં ૨ ફૂટ પાણી ન સૂકાયું !!

સાવરકુંડલા પંથકવાસીઓ સંતના ચમત્કારને મનોમન કરી રહ્યા છે નમનઃ ૨૧૮ વર્ષ પહેલા ગાયોની તરસ છીપાવવા પૂ. દાન મહારાજે તળાવમાં વિરડો ગાળ્યો'તો

ચમત્કાર.... પૂ. દાન મહારાજ દ્વારા ૨૧૮ વર્ષ પહેલા ગાળવામાં આવેલા માત્ર ૨ ફૂટના જ 'વિરડા'માં હાલ પણ અવિરતપણે પાણીનું ઝરણું વહી રહ્યુ હોવાથી સૌ આશ્ચર્યચકિત છે (તસ્વીર-અહેવાલઃ ઈકબાલ ગોરી-સાવરકુંડલા)

સાવરકુંડલા, તા. ૧૯ :. સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાં ઉનાળામાં પડેલા ધોમધખતા તાપને પગલે ઘણી જગ્યાએ નદી-નાળાના પાણી સૂકાઈ જવા પામ્યા છે... પણ લુવારા ગામે માત્ર ૨ જ ફૂટના 'વિરડા'માં પાણી સૂકાયું ન હોવાથી સાવરકુંડલા પંથકવાસીઓ પૂ. દાન મહારાજના ચમત્કારને મનોમન નમન કરી રહ્યા છે.

આ અંગે પંથકવાસીઓમાં ચર્ચાતી વિગતોનુસાર સમગ્ર ગુજરાતમાં આશ્ચર્ય ફેલાવે તેવી વાત લુવારા ગામે સામે આવી છે... કહેવાય છે ને કે, સંતો-મહંતોએ કરેલી આગાહી, વચનો, કાર્યો અને ચમત્કારો વર્ષો વીતી જવા છતા પણ ઘણા સાર્થકરૂપ હોય છે. તેના પ્રતિતિરૂપે સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે પણ દાખલો હયાત છે.

આશ્ચર્યજનક વાતની સત્ય હકીકત એવા પ્રકારની છે કે, ઈ.સ. ૧૮૦૦ની સાલ આસપાસ ચલાલાથી પધારેલા પૂ. દાન મહારાજ ગાયોને લઈને નિકળેલ હતા ત્યારે ગાયોને પાણી પીવડાવવા માટે ઘણી બધી જગ્યાએ ફર્યા, પરંતુ આજુબાજુમાં કયાંય પાણી ન મળ્યુ હોવાથી ત્યારે લુવારા ગામમાં આવેલ ફુલઝર નદીમાં પૂ. દાન મહારાજે 'વિરડો' ગાળ્યો ત્યાં માત્ર ૨ જ ફૂટે પાણી દેખાયુ હતું. તે ઈ.સ. ૧૮૦૦ની સાલની વાત ૨૧૮ વર્ષ વીતી ગયા હોવા છતા પણ લુવારા ગામે હાલ ઉનાળાના કાળા ધગધગતા તાપમાનમાં પણ ૨ જ ફૂટના 'વિરડા'માં પાણી સુકાયું નથી.

દરમિયાન ઘણા લોકો તો શ્રદ્ધાભેર એમ પણ કહી રહ્યા છે કે, ઉનાળામાં ધોમધખતા તાપથી ઘણી જગ્યાએ નદી-નાળાઓ સૂકાયા... પણ માત્ર બે જ ફુટના વિરડામાંથી પાણી ઘટયું નથી. અત્યારના સમયમાં પ૦૦થી ૧પ૦૦ ફુટ સુધી બોર બનાવી ત્યારે માંડ માંડ પાણી આવે કે ન આવે તેમજ ગુજરાતની નદી કે નાળામાં પાણી હોય તેવી ઘટના જુજ બાબત કહેવાય, પરંતુ સાવરકુંડલાના લુવારા ગામે માત્ર ર ફુટના વીરડામાં પાણી હોય તે સાચા સંતનો ચમત્કાર જ છે.(૨-૨૧)

(1:19 pm IST)