Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

જામનગરમાં ગ્રાહક સુરક્ષા-સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

જામનગર, તા.૧૯: જામનગર જીલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેકટરશ્રી રવિ શંકરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભા ખંડમાં યોજાઇ હતી. આ બેઠકમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજ, ખાંડ, કેરોસીનના જથ્થાની ફાળવણી અને વિતરણ, રેશન કાર્ડ કેટેગેરી વાઇઝ કાર્ડ- જનસંખ્યાની વિગત, ઉજ્જવલા યોજના અંગે, ઇ-કુપન/ઇ-એફ.પી.એસ. મારફતે અનાજ વિતરણની સમિક્ષા, ગ્રાહકોની ફરિયાદ નિવારણ અંગે, રેશનકાર્ડ સરળતાથી મળી શકે તે અંગે ઝુંબેશ તથા કેમ્પની સમિક્ષા અંગે, જાહેરાત અપાયેલ વાજબી ભાવની દુકાનોની નિમણૂંક અંગે, આધારકાર્ડ/બેન્ક એકાઉન્ટ સિડિંગ બાબત, નવી ખોલવાપાત્ર દુકાનોની યાદીને અનુમોદન આપવા અંગે વગેરે જેવી બાબતોની ચર્ચા અને સમિક્ષાઓ કરવામાં આવેલ હતી. આ બેઠકમાં સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક

જામનગર જિલ્લાની સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક કલેકટરશ્રી રવિ શંકરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, જામનગરના સભાખંડમાં યોજાઇ હતી.

આ પ્રસંગે કલેકટરશ્રી રવિ શંકરે દરેક અધિકારીઓને યોજનાકિય કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા તથા સરકારની જુદી જુદી કચેરીઓ હસ્તકના લેણા વસુલાતની કામગીરીને વેગવંતી બનાવવા જણાવ્યુ હતું. તેમણે લોકો તરફથી મળેલ અરજીઓનો ઝડપી નિકાલ થાય, નાગરીક અધિકારપત્ર, કચેરી હસ્તકના અવેઇટ કેશ, પેન્શન કેશો, કચેરી હસ્તક બાકી રહેલા ખાતાકીય કેશો, મંત્રીશ્રી અને ધારાસભ્યોશ્રી તરફથી મળેલ પ્રશ્નોનો તાત્કાલીક નિકાલ થાય તે માટે અધિકારીઓને સુચનો કર્યા હતા. બાકી રહેતા સરકારી લ્હેણા વગેરેની ચર્ચા કરી લગત અધિકારીઓને તેમના નિવારણ માટે સુચના આપી હતી. વધુમાં પીવાના પાણી અને ઘાસચારાના આયોજન અંગે જરૂરી  સુચનો કર્યા હતા. દરેક અધિકારીઓ અને કર્મચારીઓએ ૨૧મી જુન 'વિશ્વ યોગ દિવસ' નિમિતે પરિવાર સાથે હાજર રહેવા કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ.    

આ બેઠકમાં ધારસભ્ય સર્વેશ્રી વલ્લભભાઇ ધારવિયા, ચિરાગભાઇ કાલરીયા, પ્રવિણભાઇ મુછડીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રદીપ સેજુલ, નિવાસી અધિક કલેકટરશ્રી કેલૈયા, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેનશ્રી તથા જુદી જુદી કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(12:28 pm IST)