Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

જસદણ તાલુકા સહકારી સંઘની વાર્ષિક સાધારણ સભા

જસદણઃ અહીંયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ૪૪મી વાર્ષિક સાધારણ સભા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. ગઢડીયા રોડ ઉપર સંઘના મીટીંગ હોલ ખાતે જયેશભાઇએ સારો નફો અને શ્રેષ્ઠ સંચાલન કામગીરી બદલ જસદણ તાલુકા સંઘની ટીમની કામગીરી બિરદાવી જણાવેલ કે, રાજકોટ જીલ્લાના સહકારી ક્ષેત્રમાં ખેડુતોના હિતને ધ્યાને લઇને જે નિર્ણયો લેવાય છે. છેલ્લા એક દાયકામાં સૌથી વધારે પાકવીમો રાજકોટ જીલ્લાને મળ્યો છે. સમગ્ર દેશમાં રાજકોટ ડીસ્ટ્રીક બેંકની કામગીરી નમુનેદાર છે એવી જ રીતે  જસદણ યાર્ડના ચેરમેન અરવિંદભાઇ તાગડીયાએ જણાવ્યું હતું કે, જસદણ-વિંછીયા પંથકમાં બેંકની ર૧ શાખાઓ છે અને આગામી સમયમાં જસદણના ઝુંડાળા, કાનપર અને કાળાસરમાં બેંકની શાખા ખુલશે. તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનો વાર્ષિક અહેવાલ અને હિસાબો રજુ કરી દશ લાખનો ચોખ્ખો નફો તેમજ પંદર ટકા ડીવીડન્ડ જાહેર કરવામાં આવ્યુ હતુ. વિંછીયા યાર્ડના ચેરમેન કડવાભાઇ જોગરાજીયા, જસદણ યાર્ડના વાઇસ ચેરમેન ભગુભાઇ બસીયા, જસદણ તાલુકા સંઘના પ્રમુખ ભગવાનજીભાઇ બાંભણીયા, પ્રવિણભાઇ છાયાણી, સુરેશભાઇ કાકડીયા, કનુભાઇ હિરપરા, ગીરીશભાઇ વાળા સહિતના જસદણ-વિંછીયા તાલુકાની મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.  સંચાલન હર્ષદભાઇ કાકડીયાએ તથા આભારવિધી વશરામભાઇ કોરડીયાએ કરી હતી. (તસ્વીર-અહેવાલઃ ધર્મેશ કલ્યાણી, જસદણ)

(12:21 pm IST)