Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જુનાગઢના કોરોના પોઝીટીવ ધારાસભ્ય ભીખાભાઇ જોષીને મોતના મુખમાંથી બચાવી લેતા ડો.ચિંતન યાદવ

હજારો કોવીડના દર્દીઓને કોરોના મુકત કરનાર ડો.યાદવ પણ દર્દીઓની સારવાર કરતા કરતા સંક્રમીત થયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૯: જુનાગઢના ધારાસભ્યશ્રી ભીખાભાઇ ગલાભાઇ જોષી ગત તા.૧૨ એપ્રિલ નારોજ કોરોનાની ઝપટે ચડી જતા તેઓ જુનાગઢની આસ્થા હોસ્પીટલના ડો.ચિંતન યાદવની દેખરેખ હેઠળ પોતાના ઘરે જ હોમકોરોન્ટાઇન થઇ સારવાર લઇ રહયા હતા.

દરમ્યાન ભીખાભાઇ જોષી પુત્ર મનોજભાઇ જોષીએ જણાવ્યું હતુ કે ઘરે સારવાર દરમ્યાન ભીખાભાઇને ખોરાક હાલતો ન હોવાથી શકિત માટે બાટલો ચડાવેલ તેમજ ઇન્જેકશનો આપવામાં આવેલ પરંતુ તેઓને એકાએક ખુબ ઠંડી આવતા શરીર આખુ ધ્રુજવા માંડયુ અને તરફડવા માંડયા બાદમાં નજીકમાં રહેતા ડોકટરને બોલાવી તાવની દવા આપી પરંતુ જોઇએ તેવી રીકવરી ન જણાતા તેઓને તાત્કાલીક ગંભીર પરિસ્થિતિમાં જુનાગઢની ગુરૂ દતાત્રેય ગિરનાર ચેરીટેબલ ટ્રસ્ટની બ્રહ્મ સમાજ છાત્રાલય બિલખા રોડ પર આવેલ ગિરનાર કોવીડ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.

ત્યાં એમ.ડી.ડોકટર શ્રી ચિંતન યાદવએ તાબડતોબ ભીખાભાઇના રીપોર્ટ કરી સારવાર શરૂ કરતા જણાયું હતુ કે તેઓના શરીરમાં સ્યુગરનું પ્રમાણ વધી ગયું હતું. તેઓને તાત્કાલીક રેમડેસીવર ઇન્જેકશન આપી અને સતત ૩ કલાક ખડેપગે રહી ડો.ચિંતન યાદવે રાત્રે ૧ાા વાગ્યા સુધી સારવાર આપી અને મોતના મુખમાંથી બચાવી  લીધા હતા.

ભીખાભાઇ જોષીના પુત્ર મનોજભાઇ જોષીએ વધુમાં જણાવેલ કે બાપાની તબીયત અચાનક લથડતા અમારા હોશ ઉડાડી દીધા હતા. પરંતુ ડો.ચિંતન યાદવે તેમને બચાવી લીધા અને નવો અવતાર મળ્યો છે સફેદ કપડામાં હાજરા હજુર ભગવાન કે જેણે મારા પિતા સહીત અસંખ્ય કોરોનાના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. એવા ડો.ચિંતન યાદવ ખરા અર્થમાં કોરોના વોરીયર્સની ભુમીકામાં છે.

શ્રી યાદવ તેઓની આસ્થા હોસ્પીટલ ખાતે તદન નજીવી ફીમાં દર્દીઓને સેવાભાવથી તપાસી રહયા છે. ઉપરાંત તેઓ ગિરનાર કોવીડ હોસ્પીટલ સહીત અન્ય કોવીડ હોસ્પીટલમાં પોતાના જીવનની પરવા કર્યા વગર હજારો દર્દીઓને કોરોનામાંથી મુકિત અપાવી છે. અને હાલ કોવીડના દર્દીઓની સારવાર કરતા કરતા શ્રી ચિંતન યાદવ કોરોના સંક્રમીત થતા પોતાના ઘરે હોમ કવોરન્ટાઇન થઇ સારવાર લઇ રહયા છે તેઓ કોરોનામાં સંક્રમીત થતા આ હોસ્પીટલના મેનેજીંગ ટ્રસ્ટી અસ્તેય પુરોહીતના માર્ગદર્શન હેઠળ ડો.શૈલેષ જાદવ, ડો.મૌલીક કનેરીયા સહીતના એમ.ડી.ડોકટરો સેવા આપી રહયા છે.

(1:05 pm IST)