Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

અમરેલી-ધોરાજીમાં આજે લોકસભા ક્લસ્ટર સંમેલન

ઓમ માથુરની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક થશે : સવારે ૧૦ વાગે અમરેલી અને ભાવનગર લોકસભાની બેઠકોનું ક્લસ્ટર સંમેલન : મનોજ સિંહા આજે ગુજરાતમાં

અમદાવાદ,તા.૧૯ : પ્રદેશ ભાજપા મીડિયા સેલની એક અખબારી યાદી જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આવતીકાલે તારીખ ૨૦ ફેબ્રુઆરીએ અમરેલી તથા ધોરાજી(રાજકોટ) ખાતે લોકસભા બેઠકોના ક્લસ્ટર સંમેલનો યોજાશે. જેમાં ગણેશ પાર્ટી પ્લોટ, લાઠી બાયપાસ રોડ, સહજ સીટીની પાસે, અમરેલી ખાતે સવારે ૧૦.૦૦ કલાકે અમરેલી અને ભાવનગર લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલન યોજાશે તથા જય પાર્ટી પ્લોટ, આવકાર હોટલની બાજુમાં, જેતપુર રોડ, મુ.ધોરાજી, રાજકોટ ખાતે બપોરે ૩.૦૦ કલાકે જામનગર, પોરબંદર અને જુનાગઢ લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલન યોજાશે. આ ક્લસ્ટર સંમેલનોમાં લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર તથા સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ ક્લસ્ટર સંમેલનોમાં લોકસભા મતવિસ્તારના લોકસભા સીટના પ્રભારી, ઇન્ચાર્જ-સહઇન્ચાર્જઓ, લોકસભા સીટના વિસ્તારકો, સંકલન સમિતિના સભ્યઓ, પ્રદેશ પદાધિકારીઓ, પ્રદેશ કારોબારી સભ્યઓ, મંડલ પદાધિકારી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારઓ, પ્રદેશ અને જીલ્લા/મહાનગરના મોરચા પદાધિકારીઓ, મંડલ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ-પ્રભારીઓ, બોર્ડ-નિગમના પદાધિકારીઓ તથા પૂર્વ સાંસદ-ધારાસભ્યઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે. દરમિયાન ભાજપા પ્રદેશ મીડિયા સેલની અખબારી યાદી જણાવે છે કે, આવતીકાલે કેન્દ્રીય રેલ રાજયમંત્રી તથા કેન્દ્રીય સંચાર મંત્રી (સ્વતંત્ર હવાલો), મનોજ સિંહા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મનોજ સિંહા બપોરે ૧.૦૦ વાગ્યે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધશે. ત્યારબાદ ૨.૦૦ વાગ્યે સાણંદ ખાતે જવા રવાના થશે.

 

 

(9:49 pm IST)