Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સાયલાના ખીંટલામાં પોલીસથી બચવા ભાગેલા યુવકની ૪ કલાક બાદ સામાન્ય તકરારમાં હત્યા થયાનું ખુલ્યુ

વઢવાણ તા. ૧૯ : સાયલા તાલુકાના ખીંટલા ગામે રવિવારે રાત્રે હત્યાની વિચિત્ર ઘટના બની હતી. સાંજે ગામની સીમમાં જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડ્યો હતો. આથી પોલીસથી બચવા યુવાન ભાગ્યો હતો. આ ઘટનાના ૪ કલાક બાદ જ યુવાનને રોડની સાઇડ કાપવા મુદ્દે ગામના જ કારચાલક સાથે રકઝક થઈ હતી. ત્યાર પછી રાત્રે આ યુવાન મિત્રને લઈને કારચાલકના ઘરે તેના પિતાને સમજાવવા ગયો હતો, જયાં કારચાલકે તમંચાથી ગોળીબાર કરતાં યુવાન મોતને ભેટ્યો હતો.ઙ્ગ

ગામની સીમમાં સુરધનદાદાના મંદિર પાસે ચાલતા જુગારના અડ્ડે સાયલા પોલીસે રેડ કરી હતી. પોલીસને જોઈ ધીરૂભાઈ જેઠસુરભાઈ ખવડ, રાજુભાઈ ભૂપતભાઈ કાઠી દરબાર અને ગુંદિયાવાડા ગામના જહાભાઈ પમાભાઈ નાસી છૂટ્યા હતા. પોલીસે ગુંદિયાવડાના ઘનશ્યામભાઈ જેસાભાઈને રૂ. ૫૮૮૦, ૪ બાઇક સહિત કુલ રૂ. ૫૦૮૮૦ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.ઙ્ગ

ખીંટલા ગામના ધીરૂભાઈ જેઠસુરભાઈ ખવડ અને તેનો મિત્ર અજયભાઈ રવિવારે મોડી સાંજે કાર લઈને સુદામડાની ક્રિષ્ના હોટલમાં જમવા જઈ રહ્યા હતા. દરમિયાન ગામના પાટિયા પાસે ગામમાં જ રહેતા હર્ષદભાઈ રવિરામભાઈ સાધુ કારમાં સામેથી આવતા હતા. આથી ધીરુભાઈ અને હર્ષદભાઈ વચ્ચે રસ્તાની સાઇડ બાબતે માથાકૂટ થઈ હતી.ઙ્ગ

આ બાબતે ધીરૂભાઈ અને તેનો મિત્ર, હર્ષદના પિતા રવિરામભાઈને ઘરે સમજાવવા ગયા હતા, પરંતુ રવિરામભાઈ ઘેર નહોતા. દરમિયાન હર્ષદભાઈએ ઉશ્કેરાઈને ધીરૂભાઈને 'અહીં કેમ આવ્યો છે' તેમ કહી તમંચાથી ફાયરિંગ કર્યું હતું. ધીરૂભાઈને પેટમાં ગોળી વાગતાં લોહીલુહાણ હાલતમાં પડી ગયા હતા અને સાધુ હર્ષદભાઈ દોડીને બહાર નાસી છૂટ્યો હતો.ઙ્ગ

હત્યા થયાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ધીરૂભાઈને સાયલા દવાખાને લઈ ગયા હતા પરંતુ પેટમાં ગોળી વાગતાં આંતરડાં બહાર નીકળી જતાં મોત થયું હતું. સાયલા પોલીસને ઘટનાની જાણ થતાં પીએસઆઇ જે. એસ. ડેલા, હરદેવસિંહ ઝાલા સહિતની ટીમે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અને પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમવિધિ કરાઈ હતી. હત્યા કરી નાસી છૂટેલા શખ્સને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.ઙ્ગ

ધીરૂભાઈ અને અજયભાઈ હર્ષદના ઘેર સમજાવવા ગયા હતા. જયાં ધીરૂભાઈ અંદર ઊભા હતા અને અજયભાઈ બહાર ઊભા હતા. ફાયરિંગનો અવાજ સંભળાતાં જ અજયભાઈ અંદર દોડી ગયા હતા અને ધીરૂભાઈ 'મને કાંઈ થયું નથી,' તેમ કહી ઢળી પડ્યા હતા.(૨૧.૨૧)

(3:43 pm IST)