Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

''પરીક્ષા આપો હસતા-હસતા મીઠાપુરમાં સેમીનાર

મીઠાપુરઃ ઓખા મંડળ તાલુકાના મીઠાપુર ગામે અલ હૈદરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ દ્વારા નામની એક સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા ખાસ કરીને એજ્યુકેશન બાબતે અગ્રેસર રહી છે. આ સંસ્થા દ્વારા હાલ ઓખા ખાતે છેલ્લા બે માસથી દર રવિવારે ઓખાના ધોરણ ૧૦ માં ભણતા વિદ્યાર્થીઓને ફ્રી ટ્યુશન કરાવવામાં આવે છે. ગત તારીખઃ ૧૭-૦૨-૨૦૧૯ને રવિવારના રોજ આ ટ્રસ્ટ દ્વારા સુરજકરાડી ખાતે આવેલા ઓખા નગરપાલિકાની પેટા કચેરીના વિશાળ પટાંગણમાં ભીમરાણાના જે કે પારીયા સાહેબ તથા સ્વસ્તિક સ્કૂલ રાજકોટના વહીવટી સંચાલક શ્રી જીતેશ અસનાની સાહેબ અને શ્રી અલ્પેશ જોશી સાહેબ દ્વારા બાળકોના ભવિષ્ય માટે ખુબજ અગત્યની અને એમના આગળના ભવિષ્ય માટે ઉપયોગી ગણાતી એવી ધોરણ ૧૦ની પરીક્ષાને અનુલક્ષીને માર્ગદર્શન પુરૃં પાડવા તથા પરીક્ષામાં પૂછવામાં આવતા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે પૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં ઓખા નગરપાલિકાનો ખુબજ સારો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમમાં ઓખાનગરપાલિકાના નવા ઉપપ્રમુખ શ્રી ચેતનભાઇ માવાણી, તથા ત્રિવેદી સાહેબ કે જે નિવૃત શિક્ષક છે તથા હથીભા માણેક કે જે નગરપાલિકાના સદસ્ય છે તેમના દ્વારા બાળકોને મીઠા મોઢા કરાવી આવનારી પરીક્ષા માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આશરે ૧૫૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. ત્યારબાદ આ શૈક્ષણિક ટીમ દ્વારા ઓખામાં ચાલતા આ ટ્રસ્ટ દ્વારા ટ્યુશન કલાસની પણ મુલાકાત લેવાઇ હતી અને ત્યાં પણ બાળકોને આ જ વિષય પર જરૂરી માર્ગદર્શન પુરૃં  પાડવામાં આવ્યું હતું. આ રીતે અલ હૈદરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સુંદર કાર્ય કરવામાં આવ્યું હતું. (તસ્વીર- અહેવાલઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)(૭.૪)

 

(11:51 am IST)