Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ઉનામાં દ્રોણેશ્વર ગુરૂકુલમાં માઘસ્નાનની પૂર્ણાહુતીઃ ઋષી કુમારો દ્વારા હનુમાનચાલીસાના પાઠ કરી શહીદોને શ્રધ્ધાંજલી અપાઈ

રાજકોટઃ પદ્મપુરાણ અને સત્સંગીજીવન ગ્રંથોમાં માઘસ્નાનનો મહિમા ઘણો જ વર્ણવામાં આવ્યો છે. પ્રયાગરાજ, હરિદ્વાર, ઋષિકેશ, વગેરે ધાર્મિક સ્થળોએ વહેલી સવારે નદી કે સમુદ્રમાં માઘસ્નાન કરતાં હોય છે.

શાસ્ત્રમાં લખ્યું છે કે, ગમે તેવા પાપ કર્યા હોય તો પણ એક માસ સુધી માઘસ્નાન કરે તો તમામ પાપ બળી જાય છે તે કરતાં માઘસ્નાન કરવાથી શૂરવીરતા, સાહસિકપણું અને ધાર્મિકતાના ગુણો કેળવાય છે.

નદી કે સમુદ્ર નજીકમાં ન હોય તો કુંભાર ને ત્યાથી કોરા માટલાં લાવી સાંજે તેમાં પાણી ભરી, તે ઠંડા પાણીથી વહેલી સવારે સ્નાન કરવું તેને માઘસ્નાન કહેવાય છે.

શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી દ્રોણેશ્વર સ્વામિનારાયણ ગુરૂકુલ સહિત તમામ શાખાઓના વિદ્યાર્થીઓ ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં માઘસ્નાન કરે છે.

તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં ભારતના શહીદ થયેલા નવયુવાનોના આત્માની શાંતિ માટે દ્રોણેશ્વર સ્વામિનારાયણ ગુરૂકુલના સંતો અને વિદ્યાર્થીઓએ એક માસ માટે શરૂ થયેલ માદ્યસ્નાનની પુર્ણાહુતિની પૂર્વ સંધ્યાએ માઘસ્નાન કરી હનુમાનજી મહારાજના  સાનિધ્યમાં હનુમાન ચાલીસા અને હનુમાન અષ્ટક સ્તોત્રનો પાઠ કરી શહીદીઓને શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી. તેમ કનુ ભગતની યાદીમાં જણાવાયું છે.(૩૦.૪)

(11:45 am IST)