Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

કચ્છમાં ૨૦૦થી વધુ ગાયોના શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યા

ઘટનાની જાણ થતાં સરકારી તંત્ર દોડતું થયું : ભુજ-માંડવી રોડ પર આવેલા ખત્રી તળાવ પાસે ૨૦૦થી વધુ ગાયના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતાં સનસનાટી

અમદાવાદ,તા.૧૮ : કચ્છના ભુજ-માંડવી રોડ પર આવેલા ખત્રી તળાવ પાસે ૨૦૦થી વધુ ગાયના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. તો, આ ઘટનાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ખાસ કરીને એકસાથે ૨૦૦થી વધુ ગાયોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતાં માલધારી સમાજ અને પશુપાલકો સહિત રાજયના પ્રજાજનોમાં ભારે દુઃખ અને આઘાતની લાગણી સાથે ઉગ્ર આક્રોશ ફેલાઇ ગયો છે. આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની ઉગ્ર માંગણી ઉઠવા પામી છે. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં સરકારનું તંત્ર દોડતું થઇ ગયું છે.

    કચ્છના ભુજ-માંડવી રોડ પર આવેલા ખત્રી તળાવ પાસે ૨૦૦થી વધુ ગાયના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ આ ટીમ દ્વારા ગાયના મોત પાછળનું કારણ પાકમાં નાખવામાં આવતી ઝેરી દવા અથવા ઝેરી પ્રવાહી પીવાનું માનવામાં આવી રહ્યું છે. તેમજ પશુ ચિકિત્સકો પણ તપાસ કરી રહ્યા છે અને પોસ્ટમાર્ટમ બાદ જ ગાયોના મોતની હકીકત બહાર આવશે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના ભુજ માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે ૨૦૦થી વધુ શંકાસ્પદ હાલતમાં ગાયના મૃતદેહ જોવા મળ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શંકાસ્પદ હાલતમાં ગાયોના મૃતદેહ જોવા મળતા ગૌ પ્રેમી ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પાકમાં છાંટવાની દવા અથવા ઝેરી પ્રવાહી પીવાથી મોત થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પશુ ચિકિત્સકો હાલમાં તપાસ કરી રહ્યા છે. પશુના પોસ્ટ માર્ટમ બાદ જ ચોક્કસ હકીકત બહાર આવશે કે, કયા કારણથી આટલી મોટી સંખ્યામાં ગાયના મોત નીપજ્યા છે. ગાયને હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા બે ત્રણ મહિનામાં અચાનક મોટી સંખ્યામાં ગાયના મોતના સમાચાર સામે આવતાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ હતી.

 

(9:54 pm IST)