Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

કચ્છ પોલીસના સાયબર સેલે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં ભચાઉના યુવાનને ઝડપ્યો : ફેસબુક મેસેન્જરે ભાંડો ફોડ્યો

(ભુજ) કચ્છ બોર્ડર રેન્જ પોલીસના સાયબર સેલ તેમ જ ભચાઉ પોલીસે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડીયો શેર કરનારા ભચાઉના દરજી યુવાનને ઝડપી પાડ્યો છે. ગત એપ્રિલ મહિનામાં ફેસબુક મેસેન્જર દ્વારા ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડીયો શેર કરવા બદલ જિતેન્દ્ર રમેશ દરજી નામના યુવાનને પોલીસે પકડ્યો છે.

 ભચાઉના રામવાડી મધ્યે રહેતા ૩૫ વર્ષીય જિતેન્દ્ર દરજીએ ફેસબુક મેસેન્જર દ્વારા જે અમેરિકન મિત્રને ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડીયો મોકલ્યો હતો એ એકાઉન્ટ ફેક હતું. પણ, ફેસબુક મેસેન્જરને એ કન્ટેન્ટ (પોર્નોગ્રાફી વીડીયો) શંકાસ્પદ લાગતા ફેસબુક દ્વારા આ અંગે સાયબર પોલીસ સ્ટેશનને જાણ આવતા બોર્ડર રેન્જ સાયબર સેલ અને ભચાઉ પોલીસે જિતેન્દ્ર રમેશ દરજીને ઝડપી પાડ્યો હતો. 

પોલીસ તપાસ દરમ્યાન જિતેન્દ્રના મોબાઇલમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડીયો પણ મળી આવ્યો હતો. આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છ બોર્ડર રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી.એમ.હડીયાના જણાવ્યા પ્રમાણે સોશ્યલ મીડીયામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતી ચેટ, સર્ચ કે વીડીયો કન્ટેન્ટ વગેરે બાબતે સોશ્યલ મીડીયા ક્ષેત્રે કાર્યરત કંપનીઓ દ્વારા સતત સર્ચ અને માહિતી એકઠી થતી રહે છે અને એ અંગે સરકાર તેમ જ પોલીસને પણ જાણ કરાય છે.

(2:24 pm IST)