Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પોરબંદર નવીબંદર અને મીયાણી કાંઠે માત્ર નડતરરૂપ રેતીનો નિકાલ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

પર્યાવરણ અને ભૌગોલીક સ્થિતિ જોવા માછીમાર બોર એશો.ની માંગણી

પોરબંદર તા.૧૮ : માછીમાર બોર એશોસિએશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆતમાં પોરબંદર, નવીબંદર, મીયાણી બંદરના દરિયાકિનારા ઉપરથી માત્ર નડતર રૂપ રેતી નિકાલ અંગે માંગણી કરાઇ છે.

જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા પોરબંદર, નવીબંદર, મીયાણી બંદરમાં દરિયાઇ રેતી ઉલેચવા માટેની કામગીરી કરવામાં આવવાની હોય આ બાબતની માછીમારોને જાણકારી મળેલ હોય અને પોરબંદર જીલ્લાના દરિયાકાંઠાના સમુદ્ર કિનારા વિસ્તારમાંથી રેતીને કાઢવા માટે લીઝ આપે છે તે કોઇપણ કંપનીને આપેલ હોય તે અંગે માછીમારો દ્વારા વિરોધ દર્શાવેલ છે. કારણ કે દરિયાઇ રેતીથી પર્યાવરણને ફાયદો થાય છે અને સમુદ્રી તોફાનથી કિનારે વસતા લોકોનો બચાવ થાય છે. દરિયાઇ રેતીમાં પ્રદૂષણને શોષવાના ગુણ છે કિનારા સુધી કેમીકલ કે ઓઇલ પ્રદૂષણને શોષી લ્યે છે. પોરબંદરના કિનારાની રેતીથી કિનારા બચાવ થાય છે કારણ કે દરિયાઇ રેતીમાં તોફાની મોજાને સમાવવાની શકિત છે. દરિયાઇ ખડક ઉપર મોજા ઉછળીને તોફાની બને છે જયારે રેતીના દરિયાઇ મોજા મળી જવાથી દરિયાઇ મોજા શાંત થાય છે અને રેતી હોવાથી કિનારે રહેતા લોકોનો બચાવ થાય છે. જો દરિયા કિનારેથી રેતી કાઢી લેવામાં આવે તો દરિયાના મોજા રસ્તા અને ઘર સુધી પહોચીને જાનમાલનુ નુકશાન કરી શકે છે માટે પોરબંદરના મુખ્ય બારામાં રેતીનો ભરાવો હોય તેમને દૂર કરી પાછળના દરિયા કિનારા પર તેમનો નિકાલ કરવા તેવી જ રીત ેપોરબંદર જીલ્લાના મીયાણી ગામ તેમજ નવીબંદર હાર્બરની વ્યવસ્થા ન હોય તે વિસ્તારમાં માત્ર એફઆરપી હોડીઓ રાખવામાં આવતી હોય છે. આ હોડીઓને દરિયામાંથી ફીશીંગ કરીને આવે ત્યારે તેમને સીધે સીધી દરિયાઇ રેતીમાં કિનારા ઉપર લંગારવામાં આવતી હોય છે.

નવીબંદર અને મિયાણી ગામના કિનારા પરથી રેતી કાઢી લેવાશે તો ત્યાના સ્થાનિક માછીમારોને મોટી નુકશાની સહવી પડશે. અરજ છે કે પોરબંદર, નવીબંદર, મીયાણી બંદરના મુખ્ય ચેનલમાંથી જ ડ્રેજીંગ કરવુ જોઇએ આ કિનારાની સલામતી માટે દરિયાઇ રેતી ત્યાજ રહેવી જોઇએ જો ત્યાથી રેતી ઉલેચીને બહાર લવાશે તો દરિયાઇ કિનારાના ગામની આવનારા દિવસોમાં દરિયાઇ કુદરતી આફતોનો મોટો સામનો કરવો પડશે તે માટે સ્થાનિક માછીમારો દ્વારા આ રેતી મુખમાંથી જેટલી નડતરરૂપ હોય તેમને જ ખસેડવી તેવો સ્થાનિક માછીમારો તરફથી સુચનો મળેલ છે અને જો કિનારા પરથી આ રેતીને ખસેડીને અન્ય જગ્યાએ લઇ જવાશે તો સ્થાનિક માછીમારો તરફથી તેમનો સખ્ત વિરોધ કરવામાં આવશે તેમ ચિમકી આપી છે. બંદરોની ભૌગોલીક સ્થિતિને ધ્યાનમાં લઇ આ કામગીરી કરવામાં આવે તો તેમનાથી પર્યાવરણ અને માછીમારોને તેમજ દરિયાકિનારા પર વસતા અનેક ગામોને ફાયદા થઇ શકે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(12:00 pm IST)