Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રાણાવાવ તાલુકામાં તંત્રનો સંવેદનશીલ અભિગમ : ૧૪૪૦ વિધવા સહાય કેસ મંજૂર

પોરબંદર તા.૧૮ : પોરબંદર તા.૧૬, રાણાવાવ તાલુકા વહિવટીતંત્ર દ્રારા સંવેદનશીલ અભિગમ અપનાવી ૩૦ ગામ અને ૩૨ નેશ વિસ્તારમાં  ઝુંબેશ હાથ ધરી ૧૯૩ વિધવા બહેનોને આજે ગ્.ય્.ઘ્ ભવન રાણાવાવ ખાતે યોજાયેલ કેમ્પમાં વિધવા સહાયના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટરશ્રી ડી.એન. મોદી આ કેમ્પમાં સહભાગી થઇ તાલુકા વહિવટીતંત્રની કામગીરીને બિરદાવી હતી.

પ્રાંત અધિકારીશ્રી વિવેક ટાંકના માર્ગદર્શન તળે રાણાવાવ મામલતદાર બી.જે. સાવલીયા, તાલુકા વિકાસ અધિકારી, શ્રધ્ધા ભટ્ટ, નાયબ મામલતદાર વિજય વરૂ, એ.વી પરમાર તેમજ ગ્રામ્ય વિસ્તારના તલાટીશ્રીઓ, સીટી તલાટીશ્રીઓ દ્રારા છ માસમાં ઝુંબેશના રૂપે કામગીરી હાથ ધરી કુલ ૧૪૪૦ વિધવા બહેનોના કેસ મંજુર કરી તેમને માસીક રૂ. ૧૨૫૦ નિયમીત સહાય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

કેમ્પમાં સહભાગી જિલ્લા કલેકટરશ્રી એ કહ્યું કે, રાજય સરકાર દ્રારા વિધવા સહાય આપવાના માપદંડોમાં ફેરફાર કરી સહાયમાં પણ વધારો કરાયો છે. આ કેમ્પના માધ્યમથી હજુ કોઇપણ વિધવા બહેન રાણાવાવ તાલુકા કે સમગ્ર પોરબંદર જિલ્લામાં વિધવા સહાય થી વંચિત ના રહે તે માટે  જિલ્લા વહિવટીતંત્ર દ્રારા તકેદારી લેવાશે.

કેમ્પના લાભાર્થી જાયણીબેન બાપોદરાએ કહ્યુ કે, અમારા પોસ્ટ ઓફીસના ખાતામાં પૈસા જમા થશે તેનાથી  રૂડુ શું હોય શકે,  કોડીયાતર જીવીબેન અને ચંપાબેન પરમાર  જાયણીબેનની વાતમાં સુર પુરાવતા કહ્યુ કે, ગ્રામ્ય વિસ્તારની ગરીબ વિધવા બહેનો માટે આ યોજના આશીર્વાદરૂપ છે. તો રાણાબોરડીના મોરી સીણીબેને કહ્યુ કે, નારણ, કાંધલ અને નવદ્યણ મારે  નાની ઉંમરના ત્રણ  દિકરા છે તેમને શિક્ષણ અપાવવામાં આ નાણા ઉપયોગી બનશે.

(11:59 am IST)