Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ભાણવડમાં ઉભરાતી ગટરો : પ્રજા ત્રાહીમામ

પાલિકામાં રજૂઆત કરો તો પા.પુ.બોર્ડ પર ઢોળી દે અને પા.પુ.બોર્ડમાં કહો તો : ગળગળીયુ પાલીકા પર !! આખરે ભાણવડની પ્રજા જાયે તો જાયે કહાં !!

ભાણવડ તા.૧૮ : શહેરમાં પાલિકા અને પાણી  પુરવઠા બોર્ડ કચેરીની છલક છલાણા નિતીથી શહેરીજનોની હાલત અતિ દયનીય બની ગઇ છે. શહેરીજનોની રજૂઆતો સામેબંને કચેરીઓ એકબીજા પર દોષના ટોપલા ઢોળી દઇ જવાબદારીથી હાથ ખંખેરી રહી છે. ત્યારે હવે લોકોએ શું કરવુ એ જ સવાલ ઉઠી રહ્યો છે.

શહેરમાં વિકાસ યોજનાના ઓઠા હેઠળ કરોડો રૂપિયાની ભુગર્ભ ગટર યોજના સાકાર કરવામાં આવી છે ઓન પેપર બધુ બરાબર બતાવવામાં આવી રહ્યુ હશે પરંતુ ગ્રાઉન્ડ લેવલે આ વિકાસ યોજના આમ લોકો માટે શિરદર્દ સમી બની રહી છે.

યોજનાનો લાભ તો કયારે મળી શકશે એ કોઇ નથી કહી રહ્યુ પરંતુ જે યાતના વેઠવી પડી રહી છે એના નિરાકરણમાં પણ આ બંને કચેરીઓ એકબીજા પર આરોપ પ્રતિઆરોપમાં લોકોની સુખાકારી સાથે ચેડા કરી રહી છે. શહેરમાં અનેક વિસ્તારોમાં ભુગર્ભ ગટરોની કુંડીઓ ગંદાપાણીથી ઉભરાઇ રહી છે અને દિવસોના દિવસો સુધી અનેક રજૂઆતો બાદ પણ પ્રશ્નનું નિરાકરણ નથી થઇ રહ્યુ છે. રજૂઆતો કરવા જનારી પ્રજાને પાલિકા અને પાણી પુરવઠા બોર્ડની કચેરીઓ વચ્ચે દોડાવવામાં આવી રહ્યા છે પરંતુ સમસ્યાનું નિરાકરણ કરવામાં બંને કચેરીઓ નિષ્ફળ જઇ રહી છે.

એક તરફ તહેવારો અને શિયાળાના પગરણની ઘડીઓ ગણાઇ રહી છે અને શહેરમાં ડબલઋતુનો માહોલ હોઇ ઘરે ઘરે માંદગીના ખાટલા છે ડેન્ગ્યુ, મેલેરીયા જેવી બિમારીના ભરડામાં શહેરીજનો છે ત્યારે શહેરમાં શેરીએ શેરીએ આવી રીતે ફેલાતી ગંદકી અને માંદગીને આમંત્રણ આપતી સમસ્યા દૂર કરવાની ફરજ જવાબદાર તંત્રની બનતી હોય છે પરંતુ ભાણવડના પાલિકાતંત્ર અને પાણી પુરવઠાબોર્ડ બેજવાબદારીભર્યુ વલણ દાખવી રહ્યુ છે એટલુ જ નહિ અરજદારોને એક કચેરીએથી બીજી કચેરીએ સતત ધકકા જ ખવરાવી પોતાની જવાબદારીથી હાથ ખંખેરી રહ્યુ હોઇ લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

(11:51 am IST)