Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

માળીયા મિયાણાના નાની બરાર ગામે

બિમાર ગૌમાતા મોતને ભેટતા ગ્રામજનોએ વાજતે ગાજતે સમાધી આપી

માળીયા મિંયાણા,તા.૧૮: માળીયામિંયાણાના નાનીબરાર ગામે બિમાર ગૌમાતાની સેવા કરવાનુ ગ્રામજનોએ બીડુ ઝડપીને અપાર સેવા કરી હતી અંતે ૧૭ વર્ષ બાદ ગૌમાતા મોતને ભેટતા વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢી તમામ ગૌભકતોએ બરાર ગામની ગૌ-વ્રજધામ ગૌશાળા ખાતે સમાધી આપી હતી નાનીબરાર ગામે ૧૭ વર્ષ પહેલા કુવામાં પડેલી ગૌમાતાને બચાવી નવજીવન આપ્યુ હતુ તે દરમિયાન અશકત ગૌમાતાને શિંગડામાં કોઈ જાતનુ ઈન્ફેકશન થતા ગૌપ્રેમીઓએ યદુનંદન ગૌશાળામાં શિંગડાનુ ઓપરેશન કરાવી અંત સુધી ગ્રામજનોએ સેવા કરવાનો સંકલ્પ લીધો હતો.

જીવદયાપ્રેમીઓએ સેવા સાર્થક કરી સેવાકાર્ય દિપાવ્યુ હતુ જે ગૌમાતાની મરણપથારી સુધી અન્યો લોકોને પ્રેરણારૂપ બંને તેવુ આજના ભાગદોડ ભર્યા યુગમાં પોતાના પરીવાર માટે સમય નથી ત્યારે ૩૩ કરોડ દેવતાનો જેમા વાસ છે તેવા ગૌમાતાની ખડેપગે રહી રાત દિવસ સેવા કરી ગૌમાતા પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરી નાનીબરાર ગામના જીવદયાપ્રેમીઓ પ્રેરણારૂપ બન્યા છે

અત્રે ઉલ્લેખનીય છેકે ગાય આપણી માતા છે તેમા ૩૩ કરોડ દેવતાનો વાસ છે જેથી કતલખાને જતી ગાયોને બચાવવા સૌરાષ્ટ્રમાં આજેય પોતાની જાનના જોખમે એવા મર્દો છે જે ગૌમાતાને બચાવવા પોતાના પ્રાણની પરવા કર્યા વિના મેદાને ઉતરી જાય છે જેમા હળવદનુ સુસવાવ ગામ ગુજરાતમાં પ્રથમ એવુ ગામ છે જયાં ગૌમાતાના મૃત્યુ બાદ સમાધી આપી મંદીર બનાવ્યું હોય ત્યારબાદ માળીયાના નાનીબરાર ગામે આવા હળાહળ કળિયુગમાં ગાય બિમાર અશકત હોય ગ્રામજનોએ ૧૭ વર્ષ સુધી રોટલા અને લીલોચારો ખવડાવી સેવા કરી હતી પરંતુ લાંબી બિમારી બાદ આખરે ગાયનુ મૃત્યુ થતા ગ્રામજનોએ ગાયને માતા માની વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢી ગામમાં આવેલ ગૌ-વ્રજધામ ગૌશાળામાં ગૌમાતાને સમાધી આપી હતી

આવા ભગીરથ કાર્યમાં ગામના યુવાનો ખડેપગે રહીને નિસ્વાર્થ ભાવે સેવાઓ કરવા તત્પર છે જે અન્ય લોકોને પ્રેરણા પુરી પાડતા યુવાનોની ભારોભાર પ્રશંસા થઈ રહી છે.

(11:44 am IST)