Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વાંકાનેર સરકારી હોસ્પી.ના મહિલા તબીબની ફરજમાં રૂકાવટ કરી પતાવી દેવાની ધમકી

જૂની કલાવડીના વૃદ્ધાને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવાનું કહેતા પુત્ર રાજેન્દ્રસિંહ ઝાલાએ બેફામ ગાળો ભાંડી ધમકી આપી

વાંકાનેર, તા. ૧૮ :. ગત રાત્રે વાંકાનેર સરકારી હોસ્પીટલમાં પોતાની માતાને સારવાર માટે લઈ આવેલા દર્દીના પુત્ર એ સરકારી મહિલા ડોકટરની ફરજમાં રૂકાવટ કરી ધમકી આપી હોવાની ફરીયાદ વાંકાનેર શહેર હોસ્પીટલમાં થતા ડોકટરી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ હાલ સૌરાષ્ટ્રભરમાં ગંભીર બિમારીઓનો ભરડો હોય ત્યારે વાંકાનેર તાલુકાના જૂની કલાવડી ગામના વિજયાબા (આશરે ૯૦ વર્ષ)ની પ્રાથમિક સારવાર માટે સરકારી હોસ્પીટલે દાખલ કરવામાં આવેલ. બાદમાં વધુ સારવાર માટે મહિલા ડો. મહેજબીન માણેસીયાએ રાજકોટ રીફર કરવા માટે તેઓના પુત્ર રાજેન્દ્રસિંહ જગુભા ઝાલાને જાણ કરતા તેઓ ઉશ્કેરાઈને મહિલા ડોકટરને બેફામ ગાળો બોલી, લાકડી ઉગામી ધમકી આપતા મહિલા ડોકટરે વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા શહેર પોલીસે આઈપીસી ૧૮૬-૫૦૪ જીપીએફ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવે વાંકાનેર શહેરમાં સરકારી ડોકટર પરના આ બીજી ઘટનાને ઠેર ઠેરથી વખોડવામાં આવી રહી છે. શહેર પોલીસ અધિકારી શ્રી રાઠોડ તપાસ ચલાવી રહ્યા છે.

(11:37 am IST)