Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પાક દ્વારા દરિયાઇ સરહદે તુર્કીની સબમરીન તૈનાત કરવાની અટકળો વચ્ચે નેવીના વાઇસ એડમીરલ કચ્છની ક્રિક સરહદે

ભુજ,તા.૧૮: પાકિસ્તાન દ્વારા ભારત તરફના ભયને પહોંચી વળવા માટે અરબી સમુદ્રમાં તુર્કી દ્વારા મળેલી સબમરીન તૈનાત કરાય તેવી અટકળ છે.

 

 તે ઉપરાંત પાકિસ્તાને દરિયાઈ સરહદ નજીક હરામીનાળાની સામે પાર ચાઇનીઝ કંપનીને જમીન પણ ફાળવી છે. જેથી પરોક્ષ રીતે ચાઈના નું રક્ષણ મળે. આમ, પાકિસ્તાન મરીન અને પાકિસ્તાન આર્મી દ્વારા ભારતની સામે પાર વધેલી લશ્કરી હિલચાલને પગલે ભારતીય નેવીના વેસ્ટર્ન નેવલ કમાન્ડના વાઇસ એડમીરલ અજિતકુમારની કચ્છની મુલાકાત સુચક મનાઈ રહી છે.

નેવીના વાઇસ એડમીરલ અજિતકુમારે સિરક્રિક ની મુલાકાત લઈને કચ્છની દરિયાઈ સરહદની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ કોટેશ્વર બોર્ડર પોસ્ટ ઉપર બીએસએફના અધિકારીઓ સાથે બેઠક યોજીને દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા તથા સામે પાર પાકિસ્તાન દ્વારા થઈ રહેલ ગતિવિધિઓ વિશે પણ વિસ્તૃત જાણકારી મેળવી હતી.

વાઇસ એડમીરલ અજિતકુમારે અન્ય નેવી અધિકારીઓ સાથે કોટેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરીને આ પૌરાણિક મંદિર મધ્યે પૂજનવિધિ કરી હતી.

(10:54 am IST)