Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

હવે અંજારનાં ફોજદાર સહિત ૭ પોલીસ સસ્પેન્ડ

પૂર્વ કચ્છમાં ગુનાખોરીના વધતાં ગ્રાફ વચ્ચે આઈજી સુભાષ ત્રિવેદી આકરા પાણીએઃ ગાંધીધામ સંકુલ ઓઈલ ચોરીનું હબ, તો વાગડ વિસ્તાર દારૂનો લેન્ડીંગ પોઇન્ટ, ખનિજ ચોરી પણ બેફામ

ભુજ, તા.૧૮: માત્ર કચ્છમાં જ નહીં પણ રાજયભરમાં બંદરીય શહેર ગાંધીધામ શહેર અને પૂર્વ કચ્છનોઙ્ગ સમાવેશ વધતા જતા ગુનાઓના ગ્રાફ ધરાવતા શહેરોમાં સમાવેશ થાય એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. જોકે, કચ્છમાં નવનિયુકત આઈજી સુભાષ ત્રિવેદીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો તેને માંડ ૧૦ દિવસ થયા છે,

પણ તેમણે સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેવા આકરા પગલાંઓ ભરવાના શરૂ કરી દીધા છે. અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર શખસો તેમ જ રાજયનો કાયદો અને વ્યવસ્થા તોડનાર શખસો સામે કુણું વલણ અપનાવનારા પોલીસ કર્મીઓ સામે પણ આઈજી સુભાષ ત્રિવેદીએ પગલાં લેવાનું શરૂ કરતાં સરહદી જિલ્લાઓ પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ, બનાસકાંઠા અને પાટણ રેન્જ પોલીસના પોલીસ કર્મીઓ સજાગ અને સક્રિય બની ગયા છે. પૂર્વ કચ્છ પોલીસમાં આવતા અંજારમાં પશ્ચિમ કચ્છ એલસીબીએ પાડેલા દરોડામાં મેદ્યપર બોરીચીના પરસોતમનગરમાં કારમાંથી ૧.૪૮ લાખનો દારૂ ઝડપાયો હતો.

આ કેસ સબંધે આઈજી સુભાષ ત્રિવેદીએ તે સમયે પીઆઇનના ચાર્જમાં રહેલા પીએસઆઇ વિરમ ડાંગર, એએસઆઈ ગોપાલ નાગશી મહેશ્વરી, હે.કો. સુખદેવસિંહ મહિપતસિંહ જાડેજા, પો.કો. મહિપાલસિંહ રામસિંહ ચુડાસમા, વિજયસિંહ સહદેવસિંહ ઝાલા, જયદીપસિંહ ભીખુભા ડાભી, મહિલા કો. અવની ભરતપુરી ગોસ્વામી એમ કુલ ૭ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.

પૂર્વ કચ્છમાં ગાંધીધામ ઓઈલચોરીનું અને અન્ય બંદરિય ચીજ વસ્તુઓની ચોરીનું હબ બની ગયું છે. તો પૂર્વ કચ્છનો વાગડ વિસ્તાર દારૂનો લેન્ડિંગ પોઇન્ટ અને ખનિજ માફિયાઓ માટેનો ગુણખોરીનો વિસ્તાર બની ગયો છે. આવા સંજોગોમાં કચ્છ જેવા સરહદી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા રાષ્ટ્રપ્રેમી કડક પોલીસ અધિકારીઓ હજુ પણ વધુ મુકવાની જરૂરત છે.

(10:23 am IST)