Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ગારીયાધારના બે નાયબ મામલતદાર અને વચેટીયાએ રૂા. ૪૦ હજારની લાંચ લેતા ઝડપાયા

ગારીયાધાર-ભાવનગર તા. ૧૮ :.. પાલીતાણાનાં આદપુર ગામે રહેતા ભાવેશભાઇ રતિભાઇ ગોહેલની બે ડમ્પર ગાડી દેપલા ગામેથી રેતી ભરીને સમઢીયાળા ગામની ચોકડી પાસે ઉભી હતી. ત્યારે ગારીયધાર મામલતદાર કચેરીમાં નોકરી કરતાં નાયબ મામલતદાર ધર્મેશભાઇ જીતેન્દ્રભાઇ ભટ્ટ અને અશોકભાઇ  વિનોદભાઇ પંડયાએ આવી બન્ને ડમ્પર ગાડીનાં ડ્રાઇવરો પાસેથી ગાડીની ચાવીઓ લઇ રૂા. ૧ લાખની લાંચની માંગણી કરેલ અને રકઝકને અંતે રૂા. પ૦ હજાર નકકી થયેલ અને ૧૦ હજાર રોકડા લીધા હતાં. બાકીનાં પછી આપવાનું કહેલ.

દરમ્યાન આ અંગે ડમ્પરનાં માલીક ભાવેશભાઇ ગોહેલ એ ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી ખાતાને ફરીયાદ કરતાં છટકું ગોઠવી ગારીયાધાર મામલતદાર કચેરીમાં બન્ને નાયબ મામલતદારો ધર્મેશભાઇ ભટ્ટ તથા અશોકભાઇ પંડયા તેમજ તેના વચેટીયા વિશાલ જયંતિભાઇ ચૌહાણને રૂા. ૪૦ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં એન્ટ્રી કરપ્શન બ્યુરોનાં પી. આઇ. બી. પી. ગાધેર તથા સ્ટાફના સતીષભાઇ ટી. ચૌહાણ, જે. એન. આહીર, કે. એમ. વાઘેલા, ડી. આર. ચુડાસમા, ડી. એચ. શીયાળીયા વિગેરે જોડાયા હતાં.

(12:08 pm IST)