Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

માસિક ધર્મની તપાસના સંદર્ભે સહજાનંદની માન્યતા અંતે રદ

કચ્છની સહજાનંદ કોલેજને તપાસ ખુબ ભારે પડી : શિક્ષણ વિભાગે માન્યતા રદ કરી નાખતાં શિક્ષણ જગતમાં ચકચાર : સરકાર દ્વારા તપાસના અંતે શિક્ષાત્મક કાર્યવાહી

અમદાવાદ,તા. ૧૮ :     કચ્છની સહજાનંદ ગર્લ્સ કોલેજ દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓનાં કપડાં ઉતરાવી માસિક ધર્મની તપાસ કરી હતી. જે બાદ આ મુદ્દે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે ઉહાપોહ મચ્યો હતો. ચકચારભર્યા આ પ્રકરણમાં ઝીણવટબરી તપાસના અંતે ગુજરાતના શિક્ષણ વિભાગે સહજાનંદ ગર્લ્સ કોલેજ સામે કડક કાર્યવાહી કરી છે. ગુજરાત શિક્ષણ વિભાગે આ મામલે કચ્છની સહજાનંદ ગર્લ્સ કોલેજની માન્યતા રદ કરવાનો નિર્ણય કરતાં શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી ગઇ છે. ભુજમાં આવેલી સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટમાં માસિક ધર્મને લઈને વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક પરિક્ષણનાં બનાવને લઇ રાજ્યભરમાં ભારે ચકચાર મચાવી હતી. આ મામલે મહિલા આયોગ સહિત ખુદ સીએમ રૂપાણીએ પણ તપાસનાં આદેશ આપી કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે બાદ તપાસના અંતે સમગ્ર મામલામાં તથ્ય જણાતાં સહજાનંદ કોલેજની માન્યતા શિક્ષણવિભાગ દ્વારા રદ કરવામાં આવી છે.

              આ મામલે કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે જણાવ્યું હતું કે, આજે કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે તેવી શિક્ષણ વિભાગ તરફથી મૌખિત સૂચના મળી છે. હવે પરિપત્ર બહાર પાડીને આગળની કાર્યવાહી હાથ ધરીશું. ઉલ્લેખનીય છે કે, ભુજમાં આવેલી સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટમાં કોલેજના પ્રિન્સિપાલ રીટાબેન રાણીંગા, કોઓર્ડિનેટર અનિતાબેન, પ્યુન નયનાબેન અને સુપરવાઇઝર રમીલાબેન સહિતનાઓએ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓ સાથે માસિક ધર્મની ચકાસણી કરવા માટે બળજબરી પુર્વક કપડાં કઢાવી તેમજ અન્ય સહાધ્યાયીઓ માસિક ધર્મમાં છે કે નહીં તે ચકાસણી કરી હતી. તેમજ આરોપીઓએ એવી ધમકી આપી હતી કે, આ બાબતે કોઇને ફરિયાદ કરી છે તો, કોલેજમાંથી કાઢી મુકવામાં આવશે અને ભોગ બનનારી યુવતીઓ પાસેથી આ અંગે ક્યાંય કાર્યવાહી કરશુ નહીં તેવું લખાવી લીધું હતું. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ થઇ હતી અને બાદમાં મહિલા આયોગ પણ ચિત્રમાં આવ્યું હતંુ. આખરે સરકાર દ્વારા તપાસના અંતે શિક્ષાત્મક નિર્ણય લેવાયો છે.

(8:37 pm IST)