Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

સોલાર એનર્જીની નવી પોલીસીમાં જડમુળથી ફેરફારો જરૂરી

હાલની સોલાર પોલીસી ૨૦૧૫ આ વર્ષના માર્ચમાં એટલે કે માર્ચ ૨૦૨૦ માં પૂર્ણ થશે. સરકારશ્રી આ નવી પોલીસી માટે સૂચનો મંગાવે કે રીન્યુએબલ એનર્જીમાં વર્ષોથી સેવા આપતા તજજ્ઞો પાસે અભિપ્રાય લે. જેથી આ પોલીસીના અનુકરણ માટે સરળતા રહેશે.

હાલમાં સોલારની જુદી જુદી નીચે પ્રમાણેની પોલીસ હેઠળ કામ થાય છે.

(૧) સૂર્ય ગુજરાત (સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના)

(ર) સોલાર પોલીસ ૨૦૧૫

(૩) MSME જેમાં માત્ર મેન્યુફેકચરીંગ યુનિટનો જ સમાવેશ છે

(૪) સ્મોલ સ્કેલ ડીસ્ટ્રીબ્યુશન સોલાર પ્રોજેકટ (જેમાં સરકારશ્રી દ્વારા ૦.૫ મેગા વોટથી ૪ મેગા વોટ સુધીનો સોલાર પાવર પરચેઝ કરવામાં આવશે)

એક સાથે આવી જુદી જુદી પોલીસી જાહેર કરી ને લોકોમાં અસમંજસ વધાર્યુ છે.

(૧) સૂર્ય-ગુજરાત (સોલાર રૂફટોપ ઘરવપરાશ માટે) ની આ યોજના સરકારની માહીતી યોજના છે. જેમાં ઘરવપરાશકારોને કોઇપણ કેપેસીટીનું સોલાર રૂફટોપ ફીટ કરવા દેવામાં આવે છે. તેમાં સબસીડી પણ મળે છે, જો કે સરકારના બીજા સબસીડી પ્રોગ્રામો જેવા કે ગેસની સબસીડી, ઇલે.વાહનની સબસીડી વિગેરેમાં લાભાર્થીને ડાયરેકટ સબસીડી મળે છે. પણ કોઇ જાણે કેમ આ સોલાર રૂફટોપમાં જ સબસીડી ચેનલ પાર્ટનરને અપાય છે. તે પણ ઘણા વખત પછી મળે છે. જેથી નાના નાના કોન્ટ્રાકટરોને બહુ આર્થિક બોજો સહન કરવો પડે છે.

(ર) સોલાર પોલીસી ૨૦૧૫ અંતર્ગત જો કોઇને સોલાર રૂફટોપ કે ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્લાન્ટ સ્થાપવો હોય તો ૫૦% નો નિયમ લાગુ પડે છે. જેમાં કન્ઝયુમરના કોન્ટ્રાકટ ડીમાન્ડના ૫૦% સુધીનો પ્લાન્ટ સ્થાપી શકે. બીજી વિચિત્રતા એ છે કે સોલાર પોલીસી ૨૦૧૫ અંતર્ગત કોઇ રોકાણકારને પાવર વેંચવો હોય તો રૂફટોપ સોલાર પ્રોજેકટ પર ન વેંચી શકે પણ ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેકટ સ્થાપી પછી જ વેંચી શકે.

આવી વિચિત્રતાને લઇ લોકો ઉત્સાહી ખુબ હોય પણ પોલીસીની વિચિત્રતાને લઇને અસમંજસ ઉભી થાય એટલે સોલાર પ્રોજેકટમાં લોકો નાણા રોકવાનું માંડી વાળે છે.

(૩) MSME (નાના અને લઘુ ઉદ્યોગો) માટેની પોલીસીમાં માત્ર મેન્યુફેકચરીંગ યુનિટનો સમાવેશ કરી બીજા નાના ઉદ્યોગોને  અન્યાય કર્યો છે. તેમાં કોન્ટ્રાકટ ડીમાન્ડના ૧૦૦% કે તેથી વધારેના સોલાર પ્લાન્ટની મંજુરી આપી તો એમાં વીલીંગ ચાર્જીસ, ટ્રાન્સમીશન ચાર્જીસ, ક્રોસ સબસીડી ચાર્જીસ જેવા જુદા જુદા ચાર્જીસ અને લોસીસનો ભાર નાખવામાં આવ્યો. જેથી નાના ઉદ્યોગકારો પણ પ્રોજેકટ કરવા કે કેમ? તેની મુંજવણમાં છે.

જો ઘર વપરાશ અને MSME (મેન્યુફેકચરીંગ) યુનિટોને ૧૦૦% કે તેથી વધુ કેપેસીટીના સોલાર પાવર પ્લાન્ટની મંજુરી મળે તો હવે બીજા સેકટરમાં એ કેમ અમલ નથી થાતો? આનાં જવાબ પણ કોઇ પાસે નથી.

આમેય સુર્ય પ્રકાશ ૨૪ કલાકમાંથી ૫ થી ૬ કલાક સોલાર જનરેશનનું તાપમાન આપે છે. એમાં ૫૦% નો સ્લેબ હોય તો માત્ર ૧૦ કે ૧૫% જેટલું જ પાવર સેવીંગ થાય.

(૪) જે રોકાણકારો સરકારને પાવર વેંચવા માંગતા હોય તેના માટે સ્મોલ સ્કેલ ડીસ્ટ્રીબ્યુશન સોલાર પ્રોજેકટની પોલીસી જાહેક રી પોલીસી જાહેર થયા પછી આ મહીના પછી ગાઇડ લાઇન જાહેર થઇ અને હજુ પણ એમાં કંઇ જ ડેવલપમેન્ટ થયુ નથી.

સોલાર પ્રોજેકટની બાબતમાં આ એક ઉડીને આંખે વળગે એવી વાત છે કે પોલીસીની જાહેરાત થાય પછી ૬ કે ૮ મહીને ગાઇડ લાઇન જાહેર થાય. પછી તેના ફોર્મ મળે એટલે લગભગ એક વર્ષનો ગાળો જતો રહે.

ડીસ્ટ્રીબ્યુશન કંપની એટલે કે Discom (એટલે PGVCL, DGVCL, MGVCL, UGVCL  અને ટોરેન્ટ) પણ સોલાર એનર્જીને પ્રોત્સાહીત કરવામાં ઉદાસીન છે. જેમના મુખ્ય બે કારણો હોઇ શકે.

૧. તેમને દિવસ દરમિયાન વપરાતા પાવારની આવક બંધ થાય.

ર. તેમની પાસે પુરતો સ્ટાફ ઉપલબ્ધ ન હોય.

હાલ GERC (ગુજરાત ઇલે. રેગ્યુલેટરી કમીશન) ના ડીસ્કશન પેપરમાં વીલીંગ ચાર્જ, ટ્રાન્સમીશન ચાર્જ, ક્રોસ સબસીડી સરચાર્જ, એડીશ્નલ સરચાર્જ જેવા જુદા જુદા ચાર્જીસ અને લોસીસ લગાડવા કે નહીં તે માટે સહુ પાસેથી અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. ત્યાયરે જો સરકારની ખરેખર ઇચ્છાશકિત પ્રબળ હોય તો

-MSME (બધા જ ઉદ્યોગો) અને બીજા ઉદ્યોગો, સંસ્થાઓ કે હોસ્પિટલ કે હોટલો જેમનો લોડ ૪ મેગાવોટ કે તેથી ઓછો લોડ છે અને ૧૧ કે.વી.ની ટ્રાન્સમીશન લાઇન દ્વારા પાવરનું વહન કરે છે. તેમને પ્રત્યેક જુદા જુદા ચાર્જીસ અને લોસીસમાંથી મુકિત આપવી અને ૧૦૦% કે તેથી વધારાનો સોલાર પ્લાન્ટ સ્થાપવાની મંજુરી આપવી. અથવા તો સ્ટાન્ડર્ડ ૩ થી પ % લોસ Discom ને ભરપાઇ કરી બાકીનો પાવર બાદ મે તેવુ આયોજન ન કરવુ જરૂરી છે. જેથી જે નાના ઉદ્યોગો તોતીંગ વિજળી બીલ ભરે છે તેને રાહત થાય, મંદીનો માહોલ પણ દુર થાય. અને હાલમાં જ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ કે કોલસાના થર્મલ પ્લાન્ટની હવે મંજુરી નહી આપવામાં આવે અને રીન્યુએબલ એનર્જીથી વધુ વિજળી ઉત્પન્ન કરવામાં આવશે તો તેમનો આ ઉમદા ઇરાદો પણ બર આવશે.

- સરકારશ્રીએ Discom ના અધિકારશ્રીઓને વિશ્વાસમાં લઇ આ ક્ષેત્રના તજજ્ઞો અને સરકારશ્રીના અન્ય ખાતાના અધિકારીઓ એ સાથે મળી ખુલ્લા મને વાતચીત કરી અને લોકોપયોગી એવી સોલાર પોલીસી બને જે GERT ના ઓર્ડરને સુસંગત હોય અને જો તેવી પોલીસી ઘડવામાં આવ અને તુરત જ અમલીકરણ કરવામાં આવે તો પર્યાવરણ ઉપર બહુ મોટો ઉપકાર થયો લેખાશે અને સરકારશ્રીની પ્રતિબધ્ધતા છે કે રીન્યુએબલ એનર્જીને વેગ પાવો તે ફળીભુત પણ થશે. (૧૬.૧)

- કેતન ભટ્ટ, રીન્યુએબલ એનર્જી કન્સલ્ટન્ટ

અમદાવાદ, મો.૯૪૨૮૨ ૦૨૧૦૨

(3:55 pm IST)