Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

કોરોના ઇફેકટને કારણે કચ્છમાં હાજીપીર બાબાનો ઉર્ષ મોકૂફ

૨૮/૨૯/૩૦ માર્ચના યોજાનાર મેળો, હવે ૩૧ મી પછી સમિતિ અને પ્રશાસન કરશે મેળા અંગે નિર્ણય, લોકો સલામ ભરવા જઈ શકશે

(વિનોદ ગાલા  દ્વારા) ભુજ,તા.૧૮: કોરોનાની અસર સામે જાગૃતિ દર્શાવવા સરકારે આપેલ આદેશને પગલે જનહિત માટે કચ્છમાં હાજીપીર બાબાનો ઉર્સ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ અંગે યુવા સામાજિક કાર્યકર મજીદ કુરેશીએ ''અકિલા'' ને માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે મુજાવર પરિવાર દ્વારા ૨૮/૨૯/૩૦ એપ્રિલ દરમ્યાન ત્રણ દિવસનો ઉર્સ ચાલુ રાખવા માટે રજૂઆત કરી હતી. પણ, કોરોના સંદર્ભે સરકારની ગાઈડ લાઇન અનુસાર કલેકટર પ્રવીણા ડી.કે. એ ઉર્સ મોકૂફ રાખવા જણાવ્યું હતું. ૩૧ માર્ચ સુધી નાના મોટા કાર્યક્રમો કે મેળાઓ બંધ રાખવા સરકારે જણાવ્યુંઙ્ગ હોઈ એ સંદર્ભે કલેકટરે મુજાવર પરિવાર સહિત લોકોને પણ સહકાર આપવા અપીલ કરી હતી. હાજીપીરબાબાની દરગાહના મુજાવર હારુન મુબારકે પણ ઉર્સ મોકૂફ રહ્યો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તેમ જ હવે ૩૧ મી માર્ચ બાદ હાજીપીર મેળા સમિતિ અને પ્રશાસન નિર્ણય કરશે ત્યારબાદ મેળાનું આયોજન કરાશે. જોકે, હાજીપીરબાબાની દરગાહ ઉપર સલામ ભરી શકાશે. રજુઆત દરમ્યાન અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રા, અન્ય આગેવાનો ઉપરાંત ડીડીઓ પ્રભવ જોશી, ડીએસપી સૌરભ તોલંબિયા ઉપસ્થિત રહ્યા હતા.

(3:54 pm IST)