Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

પૂ. મોરારીબાપુની અધ્યક્ષતામાં તલગાજરડામાં યોજાનાર શ્રી હનુમાન જયંતિ ઉત્સવો ''કોરોના''ના કારણે મુલત્વી

રાજકોટ, તા. ૧૮ :  શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે છેલ્લા ૩૮ વર્ષોથી પ્રતિ વર્ષ શ્રી હનુમાંત જન્મોત્સવ ઉપલક્ષ્યમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. ભારતીય સંસ્કૃતિક વારસાના જતન-સંવર્ધનને કેન્દ્રમાં રાખી નૃત્ય એવું સંગીતનાં કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે તારીખ પ-૬-૭-૮ એપ્રિલ ર૦ર૦ દરમિયાન આ કાર્યક્રમ નિર્ધારિત થયો હતો. પરંતુ કોરોના  વાયરસને કારણે ઉદ્ધવેલી સ્થિતિને લક્ષ્યમાં લેતા જન આરોગ્યની કાળજી લેવાય અને સરકારની અપીલને પણ ધ્યાન પર લેતા તકેદારીના પગલાં રૂપે શ્રી ચિત્રકૂટધામ-તલગાજરડા દ્વારા આ વર્ષે શ્રી હનુમાન જયંતીના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ નિમિત્તે પ્રતિવર્ષ સમાજમાં વિધવિધ ક્ષેત્રોના વિદ્વતજનોને એવોર્ડ અર્પણ કરવામાં આવતા હોય છે જે એવોર્ડસનો અર્પણ વિધિ પણ વર્તમાન પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ યોગ્ય સમયે યોજવામાં આવશે.

જન આરોગ્યની ચિંતા રાજપીઠ કરતાં પણ વિશેષ વ્યાસપીઠને છે. આ વિધાન પૂજય મોરારીબાપુનું છે. જે દર્શાવે છે. કે આવી સંકટની સ્થિતિમાં વ્યકિત અને સમગ્ર સમાજે પ્રેકટીકલ બની વ્યવહારૂ અને ઉચિત નિર્ણયો લેવા જોઇએ અને એથી જ તાજેતરમાં રાજુલા ખાતે યોજાયેલી રામકથાને પણ આવી જ સમજણ સાથે પુજય બાપુએ મુલતવી રાખેલ છે. જેનો પુનઃ પ્રારંભ આગામી તા. ૧ એપ્રિલથી થશે. (૯.૪)

(3:51 pm IST)