Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં જવાહર ચાવડા સહિત ૧૧ ઉમેદવારો બિનહરીફ બે ઉમેદવારોના ચુંટણી ફોર્મ ટેકેદારની બોગસ સહિ સામે વાંધો

જુનાગઢ તા.૧૮ : જિલ્લા સહકારી બેંકની આગામી તા.ર૯ માર્ચે યોજાનારી ચુંટણીમાં કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા સહિત ૧૧ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

જુનાગઢ ઉપરાંત ગિર સોમનાથ અને પોરબંદર જિલ્લાને સાંકળતી જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ર૧ ડીરેકટરોની ચુંટણી  યોજાનાર છે. જેમાં ગઇકાલે ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે ૧૧ બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. કુલ ર૪ ડિરેકટરો પૈકી ર૧ ડિરેકટરોની ચુંટણી માટે ૬ માર્ચથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. ૧૬ માર્ચ સુધીમાં કુલ ર૧ બેઠકો પૈકી ૧ર બેઠકો પર એક જ ફોર્મ રજુ થયેલ જયારે બાકીની બેઠક માટે હરિફ ઉમેદવારો મેદાનમાં છે.

ગઇકાલે ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, પુર્વ સંસદીય સચિવ એલ.ટી.રાજાણી, પુર્વ મંત્રી ચંદ્રિકાબેન ચુડાસમા, જશાભાઇ બારડ, ગોવિંદભાઇ પરમાર, સહકારી આગેવાનો, લક્ષ્મણભાઇ જાદવ, ગીતાબેન મહેતા, લક્ષ્મણભાઇ ઓડેદરા, ધર્મેશભાઇ પાનેરા, ભાવેશભાઇ વોરા, મનુભાઇ ખુંટી સહિત ૧૧ ઉમેદવારો બિનહરીફ જાહેર થયેલ.

આ ચુંટણીમાં બે ઉમેદવારો શામજીભાઇ સુદાણી અને નાગાજણભાઇના ચુંટણી ફોર્મમાં ટેકેદારો કરેલી સહી બોગસ હોવાનો વાંધો રજુ થતાં ચુંટણી અધિકારી સામે પણ વાંધો રજુ કરવામાં આવ્યો છે.

જુનાગઢ  જિલ્લા સહકારી બેંકના ૧૦૮૪ મંડળીના સભ્ય મતદારો ધરાવે છે. આગામી તા.ર૯ માર્ચે મતદાન થશે અને ૩૦ માર્ચના રોજ પરિણામ જાહેર થશે. હાલ આ ચુંટણીને લઇને સોરઠના રાજકારણમાં ગરમાવો આવેલ છે. (૭.૩૮)

(3:50 pm IST)