Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

આપણાથી કોરોના ઈન્ફેકશન ફેલાય તો તે પંચેન્દ્રી મનુષ્ય હીંસાનું કારણ બનેઃ સંઘો પ્રવચનો ન યોજેઃ પૂ.નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.દ્વારા સંઘો- ભાવિકો માટે કોરોના વાયરસની તકેદારી અંગે વિડીયો દ્વારા પ્રેરક સંદેશ : સંત- સતીજીઓ સમાજની મુડીઃ દર્શન કે કાર્યક્રમનો સંઘો- શ્રાવકો જરા પણ આગ્રહ ન રાખેઃ સાધના- ધર્મઆરાધના સમુહને બદલે ઘરે જ કરે

રાજકોટ,તા.૧૮: કોરોનાના ખતરાના કારણે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.એ વિડીયો દ્વારા શ્રાવક- શ્રાવીકાઓ અને ભાવિકોને સંદેશ આપ્યો છે. હાલ રાજસ્થાનના આબુ ખાતે તકેદારી રૂપે પૂ.શ્રી સાધનામાં મગ્ન છે.

પૂ.નમ્રમુનિ મ.સા.એ વિડીયોમાં ભાવિકોને સંદેશ આપતા જણાવેલ કે હાલમાં દેશમાં પ્રર્વતમાન કોરોના વાયરસની તકેદારી રાખવી આપણા સૌની ફરજ છે. ખાસ કરીને આપણાથી બીજાને ચેપ ન લાગે તે અત્યંત મહત્વનું છે. આજે નિજ ધર્મથી વધુ રાષ્ટ્રધર્મ નિભાવવાનો સમય છે. આખા રાષ્ટ્રની હિંત ચિંતા કરવાનો સમય છે.

આ સમયમાં સંઘો પ્રવચનોના કાર્યક્રમો (કે જયાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તે) ન યોજવાની મંગલ પ્રેરણા આપતા જણાવેલ કે સંત- સતીજીઓ સમાજની સૌથી મોટી મુડી છે. તેમના દર્શનનો ભાવિકો આગ્રહ ન રાખે તેમજ પાસે જઈ કોઈ કાર્યક્રમની પણ વિનંતી ન કરે. સંત- સતીજીઓને ઈન્ફેકશન ન લાગે તેનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

પૂ.શ્રી નમ્રમુનિ મ.સા.એ સંદેશમાં વધુમાં જણાવેલ કે આપણા તરફથી ઈન્ફેકશન ફેલાય તો તે ફકત ઈન્ફેકશન જ નહીં પણ પંચેન્દ્રીય મનુષ્યની હિંસાનું કારણ બને છે, તે જીવલેણ હરકત પણ છે. એટલે આપણા તરફથી ઈન્ફેકશન ન ફેલાય અને આખા રાષ્ટ્રની રક્ષાનું ધ્યાન રાખવાનું છે. સાધના ઘરેથી જ કરવી. હું પણ અહીં ધર્મ આરાધનમાં લીન છું.

સંઘોને અન્ન ભંડાર ખોલવાની પ્રેરણા આપતા જણાવેલ કે રોજ કમાઈ અને રોજ ખાતા લોકોને સમુહમાં ભેગા ન કરી, અલગ- અલગ રીતે ભોજન પહોંચાડી માનવતાનું કર્તવ્ય પૂર્ણ કરવા પણ જણાવેલ.

(12:10 pm IST)