Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

રોણકી ગામની ૪૦ કરોડની ખેતીની જમીનના કૌભાંડમાં રાજકોટ -ધ્રોલના બે શખ્સોની આગોતરા જામીન અરજી રદ

આરોપીઓ આજ પ્રકારના ગુનો કરવા ટેવાયેલો છેઃ સરકારી વકીલ સમીર ખીરા

રાજકોટ,તા.૧૭: અહીંના ભોમેશ્વર વાડી જામનગર રોડ ઉપર રહેતા ફરીયાદી રમેશભાઇ બાબુભાઇ પરસાણાની રોણકી ગામે આવેલા ૪૦ કરોડની ખેતીની જમીનનો બારોબાર દસ્તાવેજ કરી લેવા અંગે નોંધાયેલ ફરિયાદના અનુસંધાને ધ્રોલ તાલુકાના તમાથણ ગામે રહેતા રામજી ગોવિંદ મકવાણા અને રાજકોટમાં માધાપર ચોકડી પાસે સુરેશ્વર પાર્કમાં રહેતા યુવરાજસિંહ રવુભા ચુડાસમાએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા કરેલ અરજીને અધિક સેસન્સજજ શ્રી ડી.એ.વોરાએ ફગાવી દીધી હતી.

બનાવની ટુંકી વિગત એવી છે કે, ફરીયાદી  રમેશભાઇ બાબુભાઇ પરસાણાની ખેતીની જમીન રોણકી ગામે આવેલ રેવન્યુ સર્વે નં. ૪૭ પૈકી નં. ૧૧ પૈકી નં.૧ની જમીન હેકટર ૨-૫૨-૬૪ ચો.મી જેના ખેડૂત ખાતા નં.૭૬ની જમીન હડપ કરી જવા માટે આરોપીઓએ પૂર્વઆયોજીત કારતરૂ રચી જમીન પચાવી પાડવા માટે બોગસ કુલ મુખત્યારનામુ બનાવેલ જે કુલમુખત્યારનામામાં નોટરી ટોળીયા ગુજરી ગયેલ હોય તેના ખોટા સિક્કાઓ તથા ખોટી સહી ઉભી કરેલ તેમજ ફરીયાદીનું ખોટુ ચુટણી કાર્ડ બનાવેલ અને યેનકેન પ્રકારે પાસપોર્ટ સાઇઝનો ફોટો બનાવી બોગસ કુલમુખત્યારનામું જયરાજસિંહ મહિપતસિંહ રાણા જે રહે. ગામ તંબોળેશ્વર મહાદેવ, સામુ ગામવાળાનું મુખત્યારનામું બનાવેલ અને આ ખોટા કુલમુખત્યારનામાનો ખરા તરીકે ઉપયોગ કરી સબરજીસ્ટ્રાર કચેરીમાં આરોપી ગીરીરાજસિંહ મજબુતસિંહ જેઠવા રહે. ગામ ભાણવડ, જિ. દ્વારકા તથા આરોપી હીરાભાઇ પમાભાઇ સાગઠીયા રહે. કાલાવડ જિ. જામનગરના નામનો દસ્તાવેજ કરાવી લીધેલ અને દસ્તાવેજમાં સાક્ષી તરીકે અરજદાર /આરોપી રામજીભાઇ ગોવિંદભાઇ મકવાણા તથા પ્રદ્યુમનસિંહ નવલસિંહ જાડેજા (અટક થયેલ આરોપી) ની સહી કરાવેલ હતી.

સરકારી વકીલ સમીર ખીરાએ દલીલ કરેલ કે, હાલના અરજદાર /આરોપીની મુખ્ય ભુમિકા ભજવી ગુન્હાને અંજામ આપેલ છે કરોડોની જમીન કૌભાંડમાં બીજા ઘણા આરોપીઓ સંડોવાયેલ છે. બોગસ કુલમુખત્યારનામુ કબ્જે કરવાનું બાકી છે. તેમજ થયેલ ખોટો દસ્તાવેજ પણ કબ્જે કરવાનું બાકી હોય જે સબરજીસ્ટ્રારે દસ્તાવેજ નોંધયેલ છે. તેની પણ પુછપરછ ચાલુ છે. ફરીયાદીનો પ્રથમ દર્શનીય અંગેનો સ્ટ્રોગ કેસ છે. આખો બનાવ દસ્તાવેજી પુરાવા પર આધારીત છે. તપાસના કામે પોલીસને અરજદાર/ આરોપીઓની ઇન્ટ્રોગેશનની જરૂર છે. બનાવ ત્યારથી અરજદાર/ આરોપીઓ ભાગતા ફરે છે. તપાસમાં સહકાર આપતા નથી. તેવી દલીલ સરકારી વકીલ સમીર ખીરાએ દલીલ કરેલ હતી. ફરીયાદ પક્ષે ફરીયાદીના એડવોકેટ અર્જુનભાઇ પટેલ, જવલંત પરસાણા સત્યજીત ભટ્ટી રોકાયેલ હતા.

(12:09 pm IST)