Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

સોમનાથ મંદિરમાં પ્રસાદી-ફુલહાર માટે ટ્રસ્ટે ૪૦૦ વાંસની છાબડીઓનો પ્રબંધ કર્યો

પ્લાસ્ટિકની થેલીનો વપરાશ મુકતઃ મંદિર પરિસર હવે પ્લાસ્ટિક મુકત

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથમહાદેવ મંદિરમાં અત્યાર સુધી પ્રથમ ચેકપોસ્ટ પાસે ફૂલહાર અને પ્રસાદી વહેંચતા ફેરીયાઓ પાસેથી દર્શનાર્થીઓ ખરીદી કરીને પ્લાસ્ટિકની થેલીમાં મંદિરમાં ધરવા ફુલ,બિલીપત્ર-હાર અને પ્રસાદી લઇ જતાં જેમાં હવે ફેરફાર કરી સોમનાથ ટ્રસ્ટે તમામ ફેરીયાઓ-વિતરકોને વાંસની છાબડી કે નાની ટોપલી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી છે તેમાંજ આ ફુલહાર-પ્રસાદ મંદિરમાં લઇ જઇ શકાશે.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે ટ્રસ્ટે સોમનાથ મંદિરપ્લાસ્ટીક-પ્રદુષણ મુકત બને અને વાંસની છાબડી બનાવતા ગરીબ-મધ્યમવર્ગને રોજીરોટી મળે તથા પર્યાવરણ જળવાઇ રહે  તે માટેનો આ અભિનવ પ્રયોગ હાથ ધર્યો છે.

આ છાબડી મંદિરના કાઉન્ટર ઉપર ફુલહાર પ્રસાદી સાથે ભાવપૂર્વક ધરી રાખી મુકવામાં આવશે અને એકઠી થયેલી તે છાબડીઓ ફરી પાછી ફેરીયાઓ-વિતરકોને બહાર પરત અપાશે. જેથી નવા ગ્રાહકોને તે જ ખાલી છાબડીમાં ફૂલહાર મુકી વેંચી શકશે. હવેથી આ વાંસની છાબડી જ વાપરવી પડશે. પ્લાસ્ટિક બીલકુલ વાપરવા નહીં દેવાય.

સોમનાથ મંદિરની આ પહેલની પ્રશંસા થઇરહી છે.

(12:04 pm IST)