Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

વિરપુર(જલારામ)-ગોમટા પાસે ધો.૧૦ની ઉત્તરવહીના કોથળા-પોટલા રેઢા મળ્યા

એક કોથળો કચરો વિણવા વાળા લઇ ગયાઃ મહેસાણાના પરિક્ષાર્થીઓની ઉત્તરવહી હોવાની આશંકાઃ શિક્ષણાધિકારીની ટીમ દ્વારા તપાસની ધમધમાટ : શિક્ષણ જગત માટે કલંકિત ઘટનાઃ એક સાથે બે જગ્યાએથી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ મળી

ગોંડલ-વિરપુર(જલારામ):  વિરપુર(જલારામ) અને ગોમટા નજીકથી ધો.૧૦ ની બોર્ડની પરિક્ષાની ઉત્તરવહી રેઢી મળી આવતા શિક્ષણાધિકારીશ્રી ઉપાધ્યાય ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ઉત્તરવહીઓને સીલ મારીને જપ્ત કરી હતી. (તસ્વીર-અહેવાલઃ કિશન મોરબીયા-વિરપુર(જલારામ), ભાવેશ ભોજાણી-ગોંડલ) (૨-૨૯)

(કિશન મોરબીયા દ્વારા)વિરપુર (જલારામ), તા. ૧૮ :. રાજકોટ જેતપુર હાઇ-વે ઉપર વિરપુર (જલારામ) પાસે તથા ગોમટા નજીકથી ધો.૧૦ની બોર્ડની પરિક્ષાની ઉતરવહીઓના કોથળા અને પોટલા મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વિરપુર (જલારામ)ના ઓવરબ્રિજ નજીક રસ્તાઓ ઉપર મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓના પેપર છૂટક અને કોથળામાં પડ્યા હોવાનું અખબારી એજન્ટ ધ્યાને આવતા તેઓએ તાબડતોબા તંત્રને જાણ કરી હતી.

ત્યારબાદ તંત્રએ તપાસ કરતા આ ઉતરવહીઓ ધો.૧૦ની બોર્ડની પરિક્ષાની સાયન્સ ટેકનોલોજી વિષયની હોવાનું ખુલ્યું હતું.

ત્યારબાદ જાણવા મળ્યું હતું કે, વહેલી સવારે કચરો વિણવા નીકળતા લોકો આ ઉતરવહીનો એક કોથળો લઇ ગયા છે.

આ ઉત્તરવહી રેઢી મળી આવતા રાજકોટથી જીલ્લા શિક્ષણાધિકારી શ્રી ઉપાધ્યાય સહિત સ્ટાફ વિરપુર દોડી ગયો હતો અને આ ઉત્તરવહીઓ કોણે ફેંકી દીધી છે ? તે તપાસ હાથ ધરી છે. તેમજ ઉત્તરવહીઓ સીલ કરીને જપ્ત કરી લીધી છે.

આ ઉત્તરવહીઓ મહેસાણા જીલ્લાના વિદ્યાર્થીઓની હોવાનું જાણવા મળ્યું છે.

શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. શિક્ષણ વિભાગનાં કર્મચારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. રાજકોટનાં ગોમટા પાસેથી  પણ બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીના પોટલા મળી આવ્યા છે.  ગોંડલ તાલુકા પો.સ્ટેશનથી ગુરૂકુળ વચ્ચે આ થેલા મળ્યાં હતા. અજીતસિંહ જાદવ નામના નાગરિકે થેલા જોતા  હાઇબોન્ડ સિમેન્ટનાં ગોડાઉન પાસે સુરક્ષિત જગ્યાએ મોકલી આપ્યા હતા. શિક્ષણ વિભાગનાં  ગોંડલ વિભાગનાં અધિકારીઓએ પોટલા કબ્જે કર્યા છે. ગોંડલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

પરિણામ રસ્તા પર......

અમદાવાદ, તા. ૧૮ : બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ રસ્તા ઉપર રઝળ્યુ હોવાની ચર્ચા જોવા મળી રહી છે. પરિણામ લઈ તપાસ ચાલી રહી છે ત્યારે બોર્ડની ઉતરવાહીઓ ગુમ થવાના મામલે વિદ્યાર્થીઓને વાલીઓમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. ઉતરવહીઓ રસ્તા પર મળવાની સાથે સાથે નીચે મુજબ છે.

*   ઉતરવહીઓ ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની હોવાની ચર્ચા

*   મહેસાણાની પરિક્ષાર્થીઓની ઉતરવહીઓ હોવાની શંકા

*   રાત દિવસ એક કરીને મહેનત કરનાર વિદ્યાર્થીઓની ઉતરવહીઓ રસ્તા પર રઝળતી હાલતમાં મળતા બોર્ડની બેદરકારી સપાટી પર

*   ત્રણ પાર્સલ ગોંડલ નેશનલ હાઈવે મેલડી માતાજીના મંદિર પાસે પડેલા જોવા મળ્યા

*   ઉતરવહીઓ કોઈ ફેકી ગયું છે કે પછી તપાસ માટે લાવતી વેળા ભુલના કારણે રસ્તા પર પડી ગઈ તેને લઈને તપાસ

*   મળી આવેલી ઉતરવહીઓ ફાડી ગઈ

*   શિક્ષણમંત્રી ચુડાસમાએ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી

 

(8:38 pm IST)