Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જસદણમાં મુખ્ય બજારમાં કલરની દુકાનમાં આગ ભભુકી : લાખોનું નુકસાન

તસ્વીરમાં આગ ભભુકી હતી તે દુકાન અને ફાયર ફાઇટરો આગ કાબુમાં લેતા નજરે પડે છે. (તસ્વીર : ધર્મેશ કલ્યાણી, જસદણ)

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૭ : જસદણની મેઈન બજારમાં આવેલ કલરની દુકાનમાં ગત મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગતા દોડાદોડી મચી ગઈ હતી. જોકે અઢી કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

મળતી વિગતો મુજબ જસદણની મેઈન બજારમાં આવેલ અકબરી સ્ટોર નામની મૂર્તુજાભાઈ ભારમલ સંચાલિત કલરની દુકાનમાં ગત રાત્રે ગુરૂવારે મોડી રાત્રે અંદાજે પોણા બે કલાકે ભીષણ આગ લાગતા જસદણ નગરપાલિકાના બંને ફાયર ફાઈટર દોડી ગયા હતા. જોક રાત્રે દુકાન બંધ હોઇ અને આગ અંદરના ભાગે લાગી હોઇ દુકાનનું શટર બંધ હોય અંદરના ભાગે લાગેલી ભીષણ આગ બુઝાવવા જસદણ નગરપાલિકાના જુદા જુદા બે ફાયર ફાયટરો દ્વારા દુકાનની ઉપરનું બોર્ડ તોડી ત્યાંથી ઉપરના ભાગેથી દુકાનમાં પાણીનો મારો ચલાવ્યો હતો.

જસદણ નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમે શટરનો નીચેનો ભાગ તોડીને ત્યાંથી પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ જેસીબી મંગાવી ને આખું શટર તોડવામાં આવ્યું હતું. કલરની દુકાનની અંદર રહેલા કલર માટેના વિવિધ કેમિકલ ટરપીટાઈન્ટ વગેરેને કારણે ચાલુ આગ દરમિયાન અવારનવાર ધડાકા સાથે બ્લાસ્ટ થતા હતા. આગ એટલી તીવ્ર બની હતી કે દુકાનના પહેલા માળે પણ આગળ પહોંચી ગઈ હતી. અને આ કલરની દુકાનની બાજુની દુકાનમાં પણ બીજા માળે આગ પ્રસરી હતી. અંદાજે અઢી કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી.

આગ લાગેલી બે દુકાનની બાજુની દુકાને યુસુફભાઈ સંચાલિત જેનબ સ્ટોર નામની દુકાન છે તેમને ચાલુ આગ દરમિયાન દુકાનમાં રહેલો માલસામાન રાત્રે જ યુદ્ઘના ધોરણે સલામતી કારણોસર ફેરવી લીધો હતો. જોકે જનબ સ્ટોરમાં આગની કોઈ અસર થઈ નથી પણ માત્ર માલ સામાનની સલામતી માટે માલ ફેરવ્યો હતો. બનાવ સ્થળે મોડી રાત્રે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આગ કયા કારણોસર લાગી તે તપાસનો વિષય બન્યો છે. જોકે કલરની દુકાનમાં કલર બનાવવા તેમજ મિકસ કરવાનું મશીન, કોમ્પ્યુટર, કલર સહિતની અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી આગને કારણે દાઉદી વોરા વેપારીને લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ છે.

જસદણ નગરપાલિકા ફાયર ફાઇટર ટીમ નાં પ્રતાપભાઈ સોલંકી, રાજુભાઈ વાળા, અશોકભાઈ ભંડેરી, ભાણાભાઈ, મનોજભાઈ સખિયા સહિતની ટીમે અંદાજે અઢીથી ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. સલામતીના કારણોસર રાત્રે આગ લાગ્યાની જાણ થયા બાદ મેઇન બજારમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.

(1:18 pm IST)