Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જુનાગઢમાં સવારે ૧ ઇંચ : સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટા યથાવત

સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ : આજે સતત બીજા દિવસે સૂર્યનારાયણના દર્શન ન થયા

રાજકોટ, તા. ૧૭ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે સવારે  જુનાગઢમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે અનેક વિસ્તારોમાં ઝાપટા યથાવત છે.

છેલ્લા ર૪ કલાકમાં જામનગરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

જયારે જુનાગઢના કેશોદ  ભેંસાણ, મેંદરડા, માંગરોળ, માણાવદર, માળીયાહાટીના, વંથલી, વિસાવદરમાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

રાજકોટમાં કાલે દિવસ દરમિયાન વરસાદ વરસ્યા બાદ વહેલી સવારે ઝાપટા રૂપે વરસાદ પડયો હતો.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ વ્હેલી સવારે જુનાગઢમાં ૩૦ મીનીટમાં ધોધમાર એક ઇંચ વરસાદ વરસતા પાણી પાણી થઇ ગયું હતું.

જુનાગઢ જિલ્લામાં ગઇકાલથી ફરી મેઘાએ ધીમી ધામે વરસવાનું શરૂ કર્યું છે.

આજે વ્હેલીસવારના ૪ વાગ્યે ઓચિંતા મેઘરાજા જુનાગઢમાં તુટી પડયા હતા અને ૬૦ મીનીટમાં એક ઇંચ પાણી વરસી જતા શહેરભરમાં પાણી પાણી થઇ ગયું હતું.

વ્હેલી સવારના પડેલા ભારે વરસાદની મોટાભાગના શહેરીજનો અજાણ રહ્યા હતા શહેરમાં માર્ગો નદીમાં ફેરવાઇ ગઇ હતી.

આજે પણ જુનાગઢમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા ચાલુ રહ્યા છે. સવારના ૬ થી ૧૦ ના ૪ કલાકમાં જુનાગઢ ખાતે બે મી.મી. મેંદરડા પાંચ માણાવદર-૧ અને વંથલીમાંં ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો.

દરમ્યાન જુનાગઢ જિલ્લાના આંબાલીયા ધ્રાસ્ક, બાંટવા ખારો, ઓઝત શાપુર ઓઝત વંથલી સાબલી અને ઓઝત  બે ડેમમાં આજે પણ પાણીની આવક રહેતા આ જવાશયોના એકથી બે દરવાજા આજે પણ ખુલ્લા રાખવામાં આવેલ છે.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી :.. ધોરાજી યોગ દિવસ પહેલા મેઘરાજાએ કૃપા કર્યા બાદ આજે વહેલી સવારે ફરી મેઘરાજાએ પધરામણી કરતા પાણી ચાલુ થયેલ હતા અને અંદાજીત ૦ાા ઇંચ જેટલો વરસાદ પડેલ હતો આ તકે ખેડૂતો જણાવે છે કે જો હવે વધુ વરસાદ થાય તો કપાસ મગફળી સોયાબીન જેવા પાકોને મોટા પાયે નુકસાની જાય તેવી ભીતિ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩ર મહત્તમ ર૬ લઘુતમ ૯૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:52 am IST)