Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

જુનાગઢ જિલ્લામાં ૧૩૮૬ મતદાન મથકો પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે

જિલ્લા કલેકટર સૌરભ પારધીએ લોકસભા ચુંટણી અનુ સંધાને બેઠક યોજી

જૂનાગઢ, તા.૧૭: જૂનાગઢ જિલ્લાનાં તમામ મતદારો માટે આગામી દિવસોમાં ભારતનાં ચુંટણીપંચની માર્ગદર્શીકા મુજબ તા. ૧લી જાન્યુઆરી ૨૦૧૮ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૈારભ પારધીએ જૂનાગઢનાં પત્રકારોને મતદારયાદી સુધારણા અંગે જાણકારી આપતા જણાવ્યુ હતુ કે જૂનાગઢ જિલ્લાનાં તમામ ૧૩૮૬ મતદાન મથક ઉપર બી.એલ.ઓ તા. ૨૬-૯-૨૦૧૮, તા. ૩૦-૦૯-૨૦૧૮(રવિવાર) તથા ૧૪-૧૦-૨૦૧૮ (રવિવાર)દરમ્યાન સવારે ૧૦-૦૦ થી સાંજનાં ૫-૦૦ કલાક સુધી ખાસ ઝુંબેશ દરમ્યાન ઉપસ્થિત રહેશે. અને તા. ૧લી સપ્ટેમ્બર-૧૮થી તા. ૧૫મી ઓકટોબર-૧૮ દરમ્યાન તમામ મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત કચેરી તથા તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકાર અને મામલતદાર કચેરી ખાતે મતદારો પોતાના નામની નોંધણી, કમી, કે સુધારો કરવા માટે સંબંધિત ફોર્મ ભરી શકશે. ફોટો વાળી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી ૪ જાન્યુઆરી ૨૦૧૯નાં રોજ કરવામાં આવનાર છે. આ મતદાર સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમમાં જૂનાગઢ જીલ્લાનાં તમામ નાગરિકો અને મતદારોએ સાથ અને સહકાર આપવા જિલ્લા ચુંટણી અધિકારી ડો. સૈારભ પારધીએ પ્રચાર માધ્યમોના મીડિયાકર્મીઓ મારફતે લોકોને જણાવ્યુ છે.

નાયબ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી વી.એન.સરવૈયાએ આ કાર્યક્રમનો હેતુ સમજાવતા કહ્યુ હતુ કે તા. ૧-૧-૨૦૧૯ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમરનાં મતદારોનાં નામ મતદારયાદીમાં દાખલ થાય તથા ડેટામાં રહેલ ભુલો સુધારવી,મતદારોનાં કલર ફોટા મેળવવા, મતદારયાદીમાં રહેલ ક્ષતીઓ સુધારવા,એક કે તેથી વધુ વખત નામ હોય તો દુર કરવા,લાયક મતદારોના નામ મતદારયાદીમાં નોંધાવાના રહી ગયેલ હોય તો તે દાખલ કરવા,સ્થળાંતર કરી ગયેલ મતદારોની ખરાઇ કરવી વિગેરે છે.કોઇપણ મતદારની ફોટો ઓળખકાર્ડમાં સુધારો કરવો હશે તો વધુમાં વધુ એકી સાથે ત્રણ સુધારા કરાવી શકાશે,

ભારતના ચૂંટણી પંચ-નવી દિલ્હી તરફથી તા.૦૧-૦૧-૨૦૧૯ ની લાયકાતની તારીખના સંદર્ભમાં રાજયની તમામ ૧૮૨-વિધાનસભા મતદાર વિભાગની મતદાર યાદીઓ તૈયાર કરવાના હેતુસર 'ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા' કરવાનો કાર્યક્રમ-૨૦૧૮ જાહેર કરવામાં આવેલ છે. તા.૦૧-૦-૨૦૧૯ ની લાયકાતની સ્થિતીએ ૧૮ વર્ષ કે તેથી વધુ વયના તમામ લાયક નાગરીકોના નામનો મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવનાર છે. ઉપરાંત અત્યારની રહેલ મતદાર યાદીઓમાં ખામીઓ તથા અધુરાશ પરત્વે મતદાર યાદીમાં રહેલ ક્ષતિ દૂર કરવા વિગતવાર આયોજનબદ્ઘ કામગીરી થનાર છે. મતદાર યાદીમાં નવા નામની નોંધણી માટે ફોર્મ નં. ૬ ભરીને, નામ રદ કરાવવા માટે ફોર્મ નં. ૭ ભરીને, વિગતોમાં ફેરફાર, સુધારણા કરવા માટે ફોર્મ નં. ૮ રજુ કરવાના રહેશે. પૈકીના કોઈપણ ફોર્મ વેબસાઈટwww.ceo.gujarat.gov.in પર ઓનલાઈન ભરી શકશે. પૈકીના કોઈપણ ફોર્મ મતદાર સુવિધા કેન્દ્ર પર તેમજ બુથ લેવલ ઓફિસર પાસે રજુ કરી શકશે. સદર હું કામગીરી માટે ૧૬, ૩૦ સપ્ટેમ્બર અને ૧૪ ઓકટોબરનાં દિવસોએ ખાસ ઝુંબેશ અંતર્ગત દરેક મતદાન મથક પર સવારે ૧૦ થી ૧૭-૦૦ સુધી સંબંધીત બુથના બુથ લેવલ અધિકારી હાજર રહેનાર છે જેમને ફોર્મ રજુ કરી શકશે. શ્રી સરવેયાએ જણાવ્યુ હતુ કે  કોઇ વ્યકિત ચૂંટણી કાર્ડ ધરાવતા હોય છતાં તેમને મતાધિકારની ખાત્રી મળતી નથી. ત્યારે મત આપવા માટે મતદાર યાદીમાં તેમનું નામ નોંધાયેલ હોવું એ ફરજિયાત છે. મતદાર યાદીમાં આપનું નામ છે કે કેમ તે આ વેબસાઈટ પરથી અથવા હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ફોન કરીને મતદાર યાદીમાં નામ છે કે નહીં તે જાણી શકાય છે.(૨૨.૯)

(12:59 pm IST)