Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

રાષ્‍ટ્રીય અંધજન મંડળ-ભાવનગર દ્વારા અંધજન ધ્‍વજદિનની ઉજવણી

ભાવનગર તા.૧૭: પ્રતિવર્ષ સમગ્ર દેશમાં ૧૪ સપ્‍ટેમ્‍બરનો દિવસ અખિલ હિન્‍દ અંધજન ધ્‍વજદિન તરીકે ઉજવવામાં આવે છે ત્‍યારે ભાવનગર શહેરમાં પ્રજ્ઞાચક્ષુઓનાં સર્વાગી વિકાસ અને પુનઃવસન માટે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત સંસ્‍થા રાષ્‍ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લા શાખા દ્વારા તા. ૧૪થી ૨૦ સપ્‍ટેમ્‍બર સુધી અખિલ હિન્‍દ અંધજન ધ્‍વજદિન સપ્તાહ ઉજવાઇ રહયું છે. જે અંતર્ગત ઘોઘાગેઇટ, ખાતે શહેરના મેયરએ જનજાગૃતિ બુથનું દીપ પ્રાગટય દ્વારા ઉદ્દઘાટન કરી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાવ્‍યો હતો.

આ પ્રસંગે સંસ્‍થાના જનરલ સેક્રેટરી લાભુભાઇ સોનાણીએ સંસ્‍થાની પ્રવૃતિઓ વિષે માહિતી આપતા જણાવ્‍યું હતું કે આ મહોત્‍સવનો હેતુ પ્રજ્ઞાચક્ષુ વ્‍યકિતઓનાં હિતાર્થે ફંડ એકત્રીકરણ કરી પ્રજ્ઞાચક્ષુ વ્‍યકિતઓને પગભર બનાવવાનો છે. સંસ્‍થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લાનાં જુદા-જુદા વિસ્‍તારોનાં જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી કેબીનો ફાળવી પગભર બનાવેલ છે.

આ ઉપરાંત તેઓએ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાનાર વિવિધ કાર્યક્રમો, ફંડ એકત્રિત કરવાની પ્રવૃતિઓની માહિતી આપી હતી.

આ પ્રસંગે મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત સંસ્‍થાના સહમંત્રી મહેશભાઇ પાઠકે કર્યું હતું. જયારે આભાર દર્શન રાજય પારિતોષિક વિજેતા શિક્ષક રમેશભાઇ બારડે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાનાં કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

(10:27 am IST)