Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

સાંજે દ્વારકા-ખંભાળીયાઃ કાલે જુનાગઢ વેરાવળઃ પરમ'દિ સોમનાથ

વિજયભાઇ આજથી ૩ દિવસ સતત સૌરાષ્ટ્રમાં: શ્રીદ્વારકાધીશજી અને શ્રી સોમનાથદાદાનાં દર્શનનો લાભ લેશે

રાજકોટ તા.૧૭: રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે સાંજથી સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે.

આજે ખંભાળીયા, દ્વારકા,કાલે જુનાગઢના વિસાવદર અને વેરાવળમા તથા સોમવારે શ્રીસોમનાથ મહાદેવના દર્શન કરશે.

ખંભાળીયા

ખંભાળીયાઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે બપોરે ૩ વાગ્યે ખંભાળીયા ખાતે જીલ્લા પોલીસ ભવનનુ લોકાર્પણ કરશે અને જાહેરસભા સંબોધશે.

શ્રી વિજયભાઇ રૂપાણીના આગમનને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

દ્વારકા

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં સુદામા સેતુ પાસે બનાવેલા આદિશંકરાચાર્યની પ્રતિમાના અનાવરણ માટે મુખ્યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણી આજે દ્વારકા આવનારા છે. ત્યારે બોમ્બ સ્કોડ  દ્વારા સીએમના રૂટનું ચેકીંગ કરવામાં આવ્યું છે. તેમજ સાંજે પાંચ વાગ્યે દ્વારકાધીશના દર્શન કરશે.

યાત્રાધામ દ્વારકામાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાંજે પાંચ વાગ્યે દ્વારકાધીશ જગતમંદિરે પહોંચશે ત્યારબાદ હેરીટેજ યોજના હેઠળ હેરીટેજ લુકમાં ૩૦૦ ચોરસ મીટરમાં આદિશંકરાચાર્યનું સ્મારક બનાવવામાં આવ્યું છે. તેનું અનાવરણ કરશે. મુખ્યમંત્રીના રૂટ પર બોમ્બ સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધર્યુ હતું. આદિશંકરાચાર્યનું બનાવવામાં આવેલા સ્મારક બનાવવામાં આવ્યું છે તેનું પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ૩ ડીવાયએસપી,૨૦ પીએસઆઇ, ૬પીઆઇ, એસઆરપી, હોમગાર્ડ સહિત ૩૦૦ જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે.

જુનાગઢ

જૂનાગઢઃ  જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મહાખેડૂત શિબિર યોજાશે. તારીખ ૧૮ ઓગસ્ટ, રવિવારના રોજ ૧૦ કલાકે, વિસાવદરના શ્રી કેશુભાઇ પટેલ માર્કેટ યાર્ડ ખાતે મહાખેડૂત શિબિર યોજાશે.

વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સફળ બનાવવા શિબિરમાં કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. શિબિરમાં કૃષિક્ષેત્રના તજજ્ઞો પ્રવચન આપશે.તજજ્ઞો દ્વારા સજીવ ખેતી, વિવિધ પાકોમાં રોગ-જીવાતનું જૈવિક નિયંત્રણ, બાગાયત વિભાગ દ્વારા વિસાવદર તાલુકામાં બાગાયત પાકોની શકયતાઓ અને તેની આધુનિક વાવેતર પદ્ઘતિઓ, મગફળી પાકમાં મૂલ્યવર્ધન, પશુપાલન વિભાગ દ્વારા આધુનિક પશુપાલન, જૂનાગઢ જીલ્લા પંચાયત ખેતીવાડી ખાતા દ્વારા સરકારશ્રીની ખેડૂતોની મળતી વિવિધ સહાય યોજનાઓ ની માહિતી આપવામાં આવશે. ત્યારબાદ ખેડૂતો તજજ્ઞોને પ્રશ્નોત્ત્।રી કરી શકશે.

મહાખેડૂત શિબિરમાં ગુજરાત રાજયના કૃષિ, ગ્રામ વિકાસ ટ્રાન્સપોર્ટ મંત્રીશ્રી આર.સી.ફળદુ દીપ પ્રાગટ્ય કરશે.જયારે શિબિરમાં રાજયના મંત્રીશ્રીજયેશભાઇ રાદડિયા, શ્રી જવાહરભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રીગોરધનભાઈ ઝડફિયા, જૂનાગઢ જિલ્લાના સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીકિરીટભાઈ પટેલ,ગુજરાત રાજય સહકારી બેંક લી.ના ડીરેકટરશ્રી ડોલરભાઈ કોટેચા સહિતના ઉપસ્થિત રહેશે.

મહાખેડૂત શિબિરમાં ખેડૂતોને ખેતપેદાશમાં વધારો થાય, તથા ખેતી ખર્ચમાં દ્યટાડો થાય અને ધરતીપુત્રો આધુનિક ખેત પદ્ઘતિ અપનાવેએ માટે યોજાનાર શિબિરમાં ખેડૂતોને ઉપસ્થિત રહેવા જેમાં ચેરમેનશ્રી વિનોદકુમાર હપાણી,વાઈસ ચેરમેન શ્રી જયંતીભાઈ ભુવા,સેક્રરેટરી શ્રી ગીરીશભાઈ ઉમરેટિયા,તથા જૂનાગઢ જિલ્લા સહકારીબેંકનાચેરમેનશ્રીએલ.ટી.રાજાણી,મેનેજીંગ ડીરેકટરશ્રી દિનેશભાઈ કટારીયા, ,વાઇસચેરમેનશ્રી મનુભાઈ ખુંટી, મેનેજર શ્રી ભટ્ટે ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.

વેરાવળ

વેરાવળઃ ગીર સોમનાથની બે વડી કચેરીના લોકાર્પણ કરવા અને સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કાલે તા.૧૮ના સાંજે જિલ્લા મથક વેરાવળ ખાતે જવાના છે જ્યાંથી તા.૧૯ને સોમવારે સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવવા જશે.

સોમનાથની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રથમ તા.૧૮ના સાંજે ૪ વાગ્યે હેલીકોપ્ટર મારફત સોમનાથ ઉતરણ કરી જિલ્લા મથકથી ૧૩ કિ.મી. દૂર ઇણાંજ ખાતે તૈયાર થયેલા જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસવડા કચેરીનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ અહીં સ્ટેજ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં હાજરી આપશે. ત્યારબાદ સોમનાથ સાંનિધ્યએ વીઆઇપી ગેસ્ટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે અને તા.૧૯ના સવારે ૭ વાગ્યે મુખ્યમંત્રી સોમનાથ મહાદેવની શીશ ઝૂકાવી પૂજા-અર્ચના કરશે. રાજ્ય સરકારે જિલ્લા મથક વેરાવળથી ૧૩ કી.મી. દુર ઇણાંજ ખાતે આધુનિક સુવિધાવાળુ જિલ્લા પંચાયતનું ભવન રૂ.૨૯ કરોડના ખર્ચે તથા જિલ્લા પોલીસ ભવનનું રૂ.૧૫.૫૫ કરોડના ખર્ચે નિર્માણ કર્યુ છે.

મુખ્યમંત્રી રૂપાણીના બે દિવસ સોમનાથ પ્રવાસના કાર્યક્રમને લઇ આજે સાંજે જિલ્લા કલેકટરે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરૂ જરૂરી તૈયારીઓ સમયસર પૂર્ણ કરી લેવા માર્ગદર્શન સાથે સૂચના આપી હતી.(૧.૨)

 

(12:07 pm IST)