Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

સુરેન્દ્રનગર જીલ્લામાં લૂંટફાટનો વધુ એક બનાવઃ ચોટીલમાં સોનાની લૂંટ

દેવસરના ઉગરેજા પરિવારે દિકરાના લગ્ન માટે ખરીદી કરી હતી

 સુરેન્દ્રનગર, તા.૧૭: દેવસર ગામનું દંપતિ પોતાના દિકરાના લગ્ન હોવાથી દિકરા સાથે ચોટીલામાં ઘરેણાની ખરીદી કરવા આવ્યા હતા. આ પરિવાર સાથે તેમના વેવાણ પણ હતા. પરંતુ અંદાજે રૂ. ૧૨ હજારના ઘરેણાની ખરીદી કરી થેલીમાં રાખીને વેવાણ દુકાનમાંથી લઇને નીકળતાની સાથે કોઇ અજાણ્યો શખ્સ થેલીની ઉઠાંતરી કરી રફૂક્કર થઇ જતા લોકોમાં રોષ ફેલાયો હતો.

હાલમાં ચોટીલા તાલુકાના દેવસર ગામના રૂખડભાઈ છનાભાઈ ઉગરેજાએ જણાવ્યું કે, હું અને મારા પત્ની મારા દિકરાના લગ્ન હોવાથી અમે ચોટીલામાં આવ્યા હતા. જયાં આંબલીચોકમાં આવેલી સોની પિન્ટુભાઈ મહેન્દ્રભાઈની દુકાન અમારા વેવાઈ રતનપરના દિનેશભાઇ ઉકાભાઈ કેરવાડિયાના પત્ની વસંતબેનને ખરીદ કરેલા સોનાનો બનેલો બીજ નંગ.૧ અને એક જોડી પગમાં પહેરવા માટે ચાંદીની ઝાંઝરી તેમજ બંને પગે પહેરવા માટે ચાંદીની માછલીઓ એમ મળીને અંદાજે રૂ. ૧૨,૦૦૦ જેટલી રકમની વસ્તુઓ ખરીદી કરી હતી. ત્યારબાદ અમારા વેવાણ વસંતબેનને આ થેલી આપી હતી. અને તેઓ દુકાન બહાર નીકળતા કોઈ અજાણ્યા શખ્સો આ સોનાના દાગીના ભરેલી એક કપડાની થેલીની ઉઠાંતરી કરી ગયો હતો.

આ બનાવની જાણ કરવામાં આવતા સ્થળ પર પોલીસ ઘટના સ્થળે દોડી આવીને માહિતી એકત્રિત કરીને વધુ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. શહેરમાં મંગળવારે દૂધની મંડળીના મંત્રીની રૂ. ૧.૪૯ લાખ ભરેલી થેલી ઉપાડી ગયાની ઘટનાની શાહી હજુ સૂકાઇ નથી. ત્યાં બીજો બનાવ બન્યો હતો.

(3:50 pm IST)