Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ ઘટયુઃ બપોરે ઉનાળા જેવુ વાતાવરણ

પોરબંદરનાં બરડા ડુંગરમાં અને સમુદ્રમાં સવારે ઝાકળ વર્ષાઃ જૂનાગઢ અને જામનગરમાં વહેલી ઠાર-ધુમ્મસઃ રાજકોટમાં ૧પ ડીગ્રી, નલીયામાં ૧૪ ડીગ્રી, દ્વારકામાં ૧૯ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુઃ જૂનાગઢમાં તાપમાન ઘટીયુ આજે ૧૦ ડીગ્રી

રાજકોટ તા. ૧૭ : ગત અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ વધ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટયું છે અને બપોરે ઉનાળા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં ઠંડીના અહેવાલોનું સંકલન આ મુજબ છે.

જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનો ચમકારો - ગિરનાર પર ૫.૬ ડીગ્રી

જૂનાગઢ : સોરઠમાં આજે સવારે ઠંડીનો ચમકારો રહ્યો હતો. ૨૦ કલાકમાં જૂનાગઢનું લઘુત્તમ તાપમાન આજે સવારે બે ડીગ્રી ઘટીને ૧૦.૬ ડીગ્રી રહેતા સમગ્ર વિસ્તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

અહીંના ગિરનાર પર્વત ખાતે ૫.૬ ડિગ્રી ઠંડી રહી હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહેતા ગઇકાલની માફક આજે પણ ધુમ્મસ છવાય ગયું હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૮ કિમીની રહી હતી.

છેલ્લા બે દિવસથી જૂનાગઢ સહિતના વિસ્તારોમાં મિશ્ર હવામાન પ્રવર્તે છે. બપોરના હુંફાળુ વાતાવરણ અને રાત્રે ગુલાબી ઠંડી રહી છે.

પોરબંદરમાં ઠાર :  સમુદ્રમાં ધુમ્મસ

પોરબંદર : સવારે બરડા ડુંગરમાં વહેલી સવારે ભેજવાળા વાદળો સાથે ઝાકળવર્ષા થયેલ અને ઠાર અનુભવાયો હતો. અરબી સમુદ્રમાં પણ ધુમ્મસ જોવા મળ્યું હતું અને દિવસ દરમિયાન ઉનાળુ વાતાવરણ જોવા મળ્યું હતું. પોરબંદર એરપોર્ટ કચેરીમાં નોંધાયા મુજબ આજે લઘુત્તમ તાપમાન ૧૨ ડીગ્રી નોંધાયું હતુ. ભેજ ૮૦ ટકા હતો અને પવન ૬ કિ.મી.ની ઝડપી ફુંકાયો હતો.

જ્યારે જામનગરમાં પણ ૮૪ ટકા ભેજ નોંધાયેલ અને સવારે ૧૧.૮ ટકા ઠંડી નોંધાયેલ.

આ ઉપરાંત રાજકોટમાં ૧૩ ડીગ્રી, ભાવનગરમાં ૧૬ ડીગ્રી, વેરાવળ - દ્વારકામાં ૧૯ ડીગ્રી, ઓખામાં ૨૧ ડીગ્રી, ભુજમાં ૧૭ ડીગ્રી, નલિયામાં ૧૪ ડીગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૪ ડીગ્રી, દિવમાં ૧૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.(૨૧.૧૭)

(12:24 pm IST)