Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વાંકાનેર શ્રી જડેશ્વર મહાદેવનો સોમવારે પ્રાગટય દિવસઃ શોભાયાત્રા-લોકમેળો

રવિવાર અને સોમવારે હજારો ભાવિકો ઉમટશેઃ તડામાર તૈયારી

વાંકાનેર તા.૧૬: વાંકાનેરથી ૧૦ કીમી.દુર આવેલ સ્‍વયંભુ શ્રી જડેશ્વર મહાદેવ મંદીરે તા.૨૦મીને સોમવારે શ્રાવણમાસના બીજા સોમવારે શ્રી જડેશ્વર દાદાનો પ્રાગટય દીન ધામધુમથી ઉજવાશે.

વાંકાનેર તાલુકાના કોઠારીયાગામ પાસે આવેલ રતન ટેકરી નામના ડુંગર ઉપર આશરે ૫૦૦ વર્ષ પુરાણા સ્‍વયંભૂ પ્રાગટય થયેલ અને જંગલ જેવા વિસ્‍તારમાંથી મળ્‍યા એટલે શ્રી જડેશ્વર દાદા નામથી સુપ્રસિધ્‍ધ એવા આ મંદિરનો ઇતીહાસતો ઘણો લાંબો છે.

અને આ મંદીર સાથે જામનગરના રાજવી શ્રી રાજા જામસાહેબ વાંકાનેરના અરણીટીંબા ગામનો ભગો ભરવાડ, ગૌ માતાનો રતન ટેકરી ઉપર થતો દુધાભિષેક સહીત અનેક યાદગાર પ્રસંગો અને ઇતિહાસ જોડાયેલો છે. અને તેની આખી બુક પ્રસિધ્‍ધ થઇ છે જે મંદીરેથી પ્રાપ્ત થાય છે.

વાંકાનેર પાસેના આ સ્‍વયંભૂ પ્રગટ થયેલા શ્રી જડેશ્વર મહાદેવના મંદીરે શ્રાવણમાસના બીજા સોમવારે દાદાનો પ્રાગટયદીન ધામધુમથી ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે તા.૨૦મીને સોમવારે સવારે શ્રી જડેશ્વર મંદીરેથી શણગારેલા રથમાં શ્રી જડેશ્વર દાદાના મોહરૂ બીરાજમાન સાથેની ભવ્‍ય શોભાયાત્રા ઢોલ-ત્રાસા અને બ્‍યુગલ-શરણાઇ સાથેની વરણાંગી દાદાની જયજય કાર સાથે પ્રસ્‍થાન થશે.

મંદીરના મહંતશ્રી રતીલાલજી મહારાજ, પુજારીશ્રી છગનબાપા પંડયા, નાના મહંત શ્રી જીતુ મહારાજ, રાજુભાઇ ઉપરાંત સર્વ ટ્રસ્‍ટી શ્રીઓ કોઠારીયા ગામના સરપંચ કિશોરસિંહ ઝાલા તેમજ શ્રી જડેશ્વર મેળા સમિતિના સર્વે સેવકો ઉપરાંત આખો શ્રાવણ માસ શ્રીજડેશ્વર મંદીરે રહેલા સૌરાષ્‍ટ્ર-ગુજરાત-કચ્‍છ વિસ્‍તારમાંથી પધારેલા સર્વે બ્રહ્મદેવો અને સવારથીજ ઉમટી પડતા સર્વે ભાવીક ભક્‍તો આ શોભાયાત્રામાં જોડાશે વાજતે-ગાજતે નિજ મંદીરેથી શરૂ થતી વરણાંગી વાહન માર્ગેથી ઉતરીને મંદીર નિચે ભરતા રવીવાર અને સોમવાર બે દિવસના લોક સાંસ્‍કૃતિક મેળામાં ફરી સર્વે ઉપર શ્રીજડેશ્વર દાદા અમિદષ્‍ટી કરશે.

અને પગથીયા (સીડી)માર્ગેથી બપોરે પુન નિજ મંદીરે પહોંચશે બાદ શ્રીજડેશ્વર દાદાનું મોહરૂની પ્રથમ આરતી બાદ નિજ મંદીરમાં ભાવીકો માટે દર્શનાર્થે રાખવામાં આવે છે.

શ્રાવણ માસના બીજા સોમવારે પ્રાગટય દીને શોભાયાત્રા બાદ નિજ મંદીરે બપોરે ૫૧ લીટર દુધ અને પંચામૃત સાથે નો અભિષેક કરવામાં આવે છે અને બાદ નિજ મંદીર મહાઆરતી થાય છે જેમા હજ્‍જારો લોકો ઉપસ્‍થિત રહી ભક્‍તિભાવ સાથે શ્રી જડેશ્વર દાદા આરતી-દર્શનનો લાભ લઇ ધન્‍યતા અનુભવે છે.

સ્‍વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદીરમાં બ્રાહ્મણોને રહેવાની પુરતી વ્‍યવસ્‍થા હોવાથી ઘણા બધા બ્રાહ્મણો સવારથી શ્રીજડેશ્વર દાદાની પુજા-આરાધના કરે છે ઘણા શ્રધ્‍ધાળુઓ દ્વારા રૂદ્રાઅભિષેક અને બ્રહ્મભોજન (ભંડારા)પણ આખો શ્રાવણમાસ ચાલુ હોય છે મંદીર દ્વારા દર્શન અર્થે પધારતા સર્વે ભક્‍તો માટે દરરોજ બપોરે ભોજન (પ્રસાદ)ની વ્‍યવસ્‍થા ચાલુ રાખી છે.તા.૧૯મીને રવીવારે સવારે ૧૦-૩૦ કલાકે સંસદ સભ્‍ય શ્રી કુવરજીભાઇ બાવળીયાના હસ્‍તે દીપ પ્રાગટય સાથે મેળો ખુલ્લો મુકાશે.

આ વેળાએ રાજકીય, સામાજીક, શૈક્ષણીક અને ધાર્મિક સંસ્‍થાના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે મેળાના ઉદઘાટન સાથે કોઠારીયા ગામથી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ થશે.

(2:08 pm IST)