Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

બોટાદ જીલ્લા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની બરવાળામાં ઉજવણીઃ કલેકટર સુજીતકુમારના હસ્‍તે ધ્‍વજવંદન

બોટાદ : તા. ૧૬ : બોટાદ જિલ્લાના બરવાળા ખાતે ૧૫ મી ઓગસ્‍ટની ૭૨ મા સ્‍વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. બોટાદ જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કરી અભિવાદન ઝીલ્‍યુ હતુ.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ દેશની આઝાદી માટે જાન ન્‍યોચ્‍છાવર કરનારા વીર શહિદોને યાદ કરી તેમનો ઋણ સ્‍વીકાર કરતાં જણાવ્‍યું હતુ કે, આપણને મહામૂલી આઝાદી અપાવનાર સૌ વીરોને નમન કરવાનો આ અવસર છે. આજના આ અવસરે પ્રત્‍યેક વ્‍યક્‍તિઓએ ગરીબી - જાતિવાદ જેવા દુષણોથી મૂક્‍ત સ્‍વચ્‍છ - સશક્‍ત ભારતના નિર્માણમાં સહભાગી થવા સંકલ્‍પબધ્‍ધ બનવું પડશે.

સ્‍વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની આ ઉજવણી પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા ટેબ્‍લો નિદર્શનની સાથે શાળા - મહાશાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન અને સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ થયા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અને ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે વિવિધ ક્ષેત્રમાં પ્રસંશનિય કામગીરી કરનાર લોકોને તથા રાજય - રાષ્‍ટ્રીય કક્ષાએ ઉત્તમ દેખાવ કરનાર ખેલાડીઓને સન્‍માનવામાં આવ્‍યા હતા. આ તકે બરવાળા તાલુકાના વિકાસ માટે રૂપિયા ૨૫ લાખનો ચેક મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને અર્પણ કરવામાં આવ્‍યો હતો.કાર્યક્રમના અંતમાં જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા ઉપસ્‍થિત  મહાનુભાવોના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતુ.

     આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સજજનસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમાર, નાયબ વન સંરક્ષક શ્રીમતી રાજ સંદીપ,  નિવાસી અધિક કલેકટરશ્રી બી. વી. લીંબાસીયા, જિલ્લાના અધિકારી - પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહયા હતા.

 

(1:17 pm IST)