Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ભાવનગર જિલ્લા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની પાલીતાણામાં ઉજવણીઃ જયદ્રથસિંહ પરમારના હસ્‍તે ધ્‍વજવંદન

ભાવનગર તા.૧૬: સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લાના પાલીતાણા હાઇસ્‍કૂલ તળેટી રોડ, પાલીતાણા મેદાન ખાતે જિલ્લા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરાઇ હતી. રાજયના રાજયકક્ષાના મંત્રીશ્રી, કૃષિ, પંચાયત અને પર્યાવરણના જયદ્રથસિંહ પરમારે ધ્‍વજવંદન કરી રાષ્‍ટ્રધ્‍વજની સલામી ઝીલી હતી. આ પ્રસંગે માન. મંત્રી  જયદ્રથસિંહ પરમારે જણાવ્‍યું હતું કે, આજે આપણે સોૈ પાલીતાણા તાલુકા મથકે જિલ્લા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવાના હેતુસર ભેગા થયા છીએ ત્‍યારે પાલીતાણાની માટીમાં અનેક તણસ્‍વીઓના તપની સુવાર ફેલાયેલી છે. આ તપોભુમી તિર્થભુમી પણ કહી શકાય. ભુતકાળમાં અહી અનેક તિર્થ સ્‍વરૂપે લોકો આવ્‍યા હતા. સ્‍વાતંત્ર્ય સેનાનીઓ પુજય ગાંધીબાપુ, સરદાર વલ્લભભાઇ પટેલ તેમજ અનેક નામી અનામી લોકોએ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે ભગીરથ પ્રયત્‍નો કર્યા હતા. રાજય સરકાર પણ ગુજરાતના વિકાસ અર્થે ભગીરથ પ્રયત્‍ન કરી રહી છે.

આ સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભાવનગર જિલ્લાની પ્રજાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક કલેકટરશ્રી હર્ષદભાઇ પટેલને મંત્રીશ્રીના હસ્‍તે અર્પણ કરાયો હતો. મંત્રીશ્રી દ્વારા અનેક રમતવીરો તેમજ ઉતકૃષ્‍ટ કામગીરી કરવા બદલ સન્‍માનપત્રો અને એવોર્ડ અર્પણ કરાયા હતા. પાલીતાણા ખાતેના સ્‍વાતંત્ર્ય સેનાની શ્રી બીબીબેન અકબરભાઇ પઠાણનું શાલ ઓઢાડીને મંત્રીશ્રી દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં હરિયાણા, રાજસ્‍થાન, મહારાષ્‍ટ્ર, પંજાબ, આસામ અને ગોવાના કુલ ૬ રાજયના ૯૦ કલાકારો દ્વારા વિવિધ લોકનૃત્‍ય તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમો કરીને લોકોના મન જીતી લીધા હતા.

આ કાર્યક્રમના અંતમાં મંત્રીશ્રી તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં સાંસદશ્રી ભારતીબેન શિયાળ, પાલીતાણા ધારાસભ્‍યશ્રી ભીખાભાઇ બારૈયા, હાઉસીંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્‍દ્રસિંહ સરવૈયા, પૂર્વ ધારાસભ્‍યશ્રી પ્રવિણભાઇ રાઠોડ, કલેકટરશ્રી હર્ષદભાઇ પટેલ, પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણભાઇ માલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, પાલીતાણા નગરપાલિકા પ્રમુખશ્રી, પ્રાંત અધિકારીશ્રી, પાલીતાણા મામલતદારશ્રી તેમજ શાળા/કોલેજના વિદ્યાર્થીઓ, શહેરીજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતાં.

(1:03 pm IST)