Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

જસદણની ૧૨ લાખની આંગડીયા લુંટનો ભેદ ઉકેલવાના

આરેઃ ૪ શખ્‍સો પોલીસના સકંજામા: રૂરલ ક્રાઇમ બ્રાંચ અને જસદણ પોલીસની ટીમને સફળતાઃ ટુંક સમયમાં સતાવાર જાહેરાત કરાશે

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૧૬: જસદણની ૧૨ લાખની આંગડીયા લુંટમાં રૂરલ પોલીસને મહત્‍વની કડી મળી છે. રૂરલ ક્રાઇમ બ્રાંચ અને જસદણ પોલીસની ટીમે ૪ શખ્‍સોને સકંજામા઼ લઇ પુછતાછ હાથ ધરતા આ આંગડીયા લુંટનો ભેદ ઉકેલાવાના આરે છે. ટુંક સમયમાં સતાવાર જાહેરાત કરાશે.

આ અંગેની વિગત એવી છે કે ગત તા. ૨ના રોજ પટેલ મહેન્‍દ્રભાઇ પેઢીનો કર્મચારી અમીત જુદા-જુદા હિરાના ૩૩ પેકેટ કિંમત રૂા. ૯.૬૦ લાખ અને ૨.૭૦ લાખની રોકડ લઇ રાત્રીના તેમની બાજુમાં જ આંગડીયા પેઢી ધરાવતા કર્મચારી રઘુના બાઇક પાછળ થેલો લઇ અમીત આટકોટથી બસમાં જવા ઢસા અમરેલી તરફ જવા નીકળેલ બાઇક હજુ ચાર કિલોમીટર પહોંચે તે પૂર્વે એક કાર ચાલકે આ ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બંને સવારો ફંગોળાઇ ગયા હતાં અને કારમાં બેઠેલ કોઇ એક વ્‍યકિત થેલો લઇ ભાગી છૂટયો હતો. આ અંગેની જાણ પોલીસમાં થતા તાત્‍કાલીક તેમણે નાકાબંધી કરી હતી, પણ નાકાબંધીમાં પોલીસને કોઇ સફળતા મળી નહોતી.

આ લૂંટ અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા તાત્‍કાલીક એલ.સી.બી. અને એસ.ઓ.જી. રાજકોટથી તપાસ અર્થે મોકલી અલગ-અલગ દિશામાં જસદણ પોલીસનો સહકાર લઇ તપાસ કરતા અંતે જસદણના ગામડાઓમાંથી ચાર શખ્‍સોને દબોચી લેવાયા હોવાનું અને અન્‍ય કેટલાક આરોપીઓને પણ આ ઘટનામાં સંડોવાયેલા હોય ત્‍યારે ટુંકા ગાળામાં લુંટના આરોપીઓ જાહેર થશે.

જસદણની ડાયમંડ માર્કેટ પાસે દરરોજ હિરાની લાખો રૂપિયાની લે-વેચ થાય છે.

આ પેઢીમાં લુંટ સમયે સી.સી.ટી.વી. કેમેરા ન હોવાથી તપાસનીશ અધિકારીઓને પણ અન્‍યના સી.સી.ટી.વી. ફુટેઝના આધારે ચાલવું પડયું હતું. આ પેઢીના સંચાલકો સામે પોલીસે કેમ ગુનો નોંધ્‍યો નથી? તે અંગે પણ અત્રે ચર્ચાઓ જાગી છે.

આંગડીયા લુંટના ભેદ અંગે ટુંક સમયમાં પોલીસ દ્વારા સતાવાર વિગતો જાહેર કરાશે તેવું જાણવા મળ્‍યું છે.(૧.૨૭)

(12:00 pm IST)