Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જૂનાગઢમાં કોંગ્રેસ સતામાં આવે તો ભ્રષ્ટાચાર ભુતકાળ બનશેઃ ડેમ-તળાવ-બગીચા વિકસાવાશે

દર અડધી કલાકે સીટી બસ મળશેઃ કોંગ્રેસના ઢંઢેરામાં ફુલગુલાબી વચનો : કોંગ્રેસના પ્રદેશ આગેવાન ડો.હેમાંગ વસાવડા, ધારાસભ્ય ભીખાભાઇ જોશી સહિતના અગ્રણીની ઉપસ્થિતિમાં ચૂંટણી ઢંઢેરો જાહેર

જુનાગઢ, તા, ૧૬: આગામી ર૧ જુલાઇના રોજ યોજાનાર જુનાગઢ મહાનગર પાલીકાની ચુંટણી યોજાવાની છે ત્યારે જુનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષક હેમાંગ વસાવડા, બાલુભાઇ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, નટુભાઇ પોકીયા, સુરેશ વેકરીયાની હાજરીમાં ચુંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે.

આ અંગે જાહેર કરેલ ચુંટણી ઢંઢેરામાં જણાવેલ છે કે ધાર્મિક, ઐતિહાસીક અને સંસ્કારી મહાનગર જુનાગઢના ભુલકાઓ, નવયુવાનો, માતા-બહેનો અને વડીલોને માટે જરૂરી પ્રાથમીક સુવિધાઓ, સગવડતા સાથે જુનાગઢને નવલુ રૂપ આપી, રળીયામણું જુનાગઢ બનાવવા માત્ર વાયદાઓ નહી પરંતુ સૌના સહીયારા પુરૂષાર્થથી વિકાસની ટોચ ઉપર લઇ જવા માટે કોંગ્રેસ કટીબધ્ધ છે અને ભાજપના ભ્રષ્ટાચારી શાસનથી મુકત કરી પ્રજાના પરસેવાના પૈસે ભરેલ કરની પુરી રખેવાળી સાથે ગેરરીતીને ડામી શહેરને ખરા અર્થમાં સ્વચ્છ સોહામણું અને રળીયામણું બનાવવા કોંગ્રેસ કટીબધ્ધ છે વચનબધ્ધ છે. સંકલ્પબધ્ધ છે.

જુનાગઢ એટલે ઐતિહાસીક અને સાંસ્કૃતિક નગર છે ત્યારે શહરેની ઐતિહાસીક વિરાસતને નવા રૂપ રંગથી મઢી જુનાગઢના આભુષણરૂપ બની રહે તે માટે કટીબધ્ધ છીએ. જુનાગઢના ઐતિહાસીક ધરોહર એવા ઉપરકોટને સજી-ધજીને જુનો ગઢમાંથી નવો ગઢ બનાવી બગીચાઓ, બેઠક વ્યવસ્થા, ફ્રી વાઇ-ફાઇ ઝોન, બેનમુન આધુનિક સુવિધા ઉભી કરી ઉપરકોટમાં ઓપન એર થીયેટર બનાવવા અમો વચનબધ્ધ છીએ.

જુનાગઢના ઐતિહાસીક સુદર્શન તળાવને નવુ રૂપ આપી શહેરની વિરાસતને પુનઃ જીવીત કરી આગવુ નજરાણુ બનાવવા સહિતના ફુલ ગુલાબી વચનો આપવામાં આવ્યા છે.  શહેરના વીલીગ્ડન  ડેમ ખાતે બગીચો ફુવારા બેઠક વ્યવસ્થા કરીશું. અને શરદ પુનમ સહીતના  તહેવારો ઉપર  એક પીકનીક પોઇન્ટ બની રહે તેવી કામગીરી માટે અમો વચનબધ્ધ છીએ.

(1:23 pm IST)