Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ઉપલેટાના પોરબંદર રોડ પાસે પ્લાસ્ટીક પ્રદુષણથી ખેડુતો પરેશાન : મામલતદારને આવેદન પત્ર આપી રજુઆત

ઉપલેટા તા ૧૬ :  ઉપલેટા તાલુકામાં પોરબંદર રોડ ઉપર પોલ્યુશનને પાઇયુશનને લઇ અસંખ્ય ખેડુતો અસર ગ્રસ્ત છે, જે પ્લાસ્ટીકો બહારથી મંગાવવામાં આવે છે, તેમાંથી માત્ર ૪૦% ન્યુ પ્લાસ્ટિક બને છે અને બાકીના ૬૦% વેસ્ટેજ થાય છે, જે તે સ્થળ ઉપર કચરો માટીમાં થવાના કારણે એ જગ્યા રોજબરોજ ઉંચી થતી જાય છે, ત્યારે બાજુમાં આવેલા ખેતરોના પાણીનો નિકાશ સદંતર બંધ કરવામાં આવેલ છે, જેના કારણે પાક નિષ્ફળ જાય છે તો આ પાણીના કાયમી નિકાલ માટે જે ખેડુતોના હક્કની જોગવાઇ મુજબ યોગ્ય કરવામાં આવે.

ફેકટરીઓમાં  બોરના પાણી દ્વારા પ્લાન્ટ ચલાવવામાં આવે છે જે પાણીના ટીડીએસ ૩૦૦૦ થી ૪૦૦૦ હોય છે એની  સાથે પ્લાસ્ટીક વેસ્ટમાં આવતુ કેમીકલ ભળે છે. આ પાણી તળમાં ઉતરે છે જે પાણી પીવામાં આવે તો અનેક રોગોથી માણસ તથા પશુઓની મૃત જેવી હાલત થઇ જાય છે. તો તત્કાલ આ પાણીના બોર બંધ કરાવી અટકાવવામાં આવે, ઉપર મુજબ જે પાણીનો નિકાલ ગટર દ્વારા ઇસરાના પાટીયા પાસે ખારાના વોકળામાં ભરવામાં આવે છે તે વોકળાના કાંઠે પણ જેટલા કુવાઓ આવેલ છે તે કુવાના પાણી પ્રદુષીત થયેલ છે જે પાસ સિંચાઇમાં વાપરવાથી ખેતરોની અંદર દરેક પાક નિષ્ફળ જાય છે, જેથી કરીને ભવિષ્યના દિવસોમાં ખેડુતો અને ખેતી પર એક મોટુ આર્થિક જોખમ ઉભુ થયું છે જેને લઇને ખેડુતલ પાયમાલ થઇ રહ્યા છે.

વોકળામાથી પસાર થઇને  આ પ્રદુષીત પાણી અને પ્લાસ્ટીક વેસ્ટ નિલાખા ગામ પાસે આવેલ વેણુ નદીના સોૈરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા લોકભાગીદારીથી બનાવવામાં આવેલ ચેકડેમમાં પડે છે. આ ચેક ડેમ નિલાખા ગામને પીવાનું પાણી અને સિંચાઇથી ઇસરા અને  નિલાખા ગામની જીવાદોરી સમાન છે. આ પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝને રોકવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ગંભીર સ્થિતી તોળાય તેવો ભય છે.

આ બાબતે ભારતીય કિશાનસભાના પ્રમુખ કિશોરભાઇ લક્કડે ખેડુતોને સાથે રાખી ઉપલેટા મામલતદારને આવેદન પત્ર આપી, નાકલો લાગતા વળગતા ઉચ્ચ સત્તાવાળાઓને મોકલેલ છે.

(11:38 am IST)