Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

હળવદનાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં પાણી પ્લાન્ટ ઉપર દરોડા

હળવદ, તા.૧૬: શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં બિલાડીના ટોપની માફક પાણીના ધંધાર્થીઓ પ્લાન્ટ ઉભા કરી મનફાવે તેવી રકમો વસુલ કરી બેફામ બન્યા હતા. ત્યારે આજે આવા પાણીના ધંધાર્થીઓને ત્યાં જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પડતા ગેરકાયદેસર પાણીના પ્લાન્ટ ઉભા કરી રોકડી રડતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. હળવદમાં આવેલ શ્રીમાતા બેવરેજીસમાં દરોડા પાડી પાણીના પાઉચના સેમ્પલો લઈ વડોદરા લેબ માટે મોકલી આપ્યા છે.ઙ્ગ બનાવની જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા કેટલાય સમયથી હળવદમાં ખુણેને ખાંચે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા મિનરલ વોટર પાણીના નામે પ્લાન્ટો ઉભા કરી ગ્રાહકો પાસેથી મનફાવે તેવા રૂપિયામાં પાણીની બોટલો વેંચી રૂપિયા રડી લેવામાં આવી રહ્યા હતા. ત્યારે આજે જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ડી.આર. નાંઢા સહિતનો સ્ટાફ શહેરમાં આવેલ શ્રીમાતા બેવરેજીસમાં દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન પાણીના પાઉચના સેમ્પલો લેવામાં આવ્યા હતા. તેમજ પાણીના ધંધાર્થીઓ પાસે ફુડ, સેફટી, સ્ટાન્ડર્ડ ઓથોરાઈઝ ઓફ ઈન્ડયાનું લાયસન્સ ન મળી આવતા હાલ પુરતી નોટીસ ફટકારાયા બાદ પાણીના સેમ્પલો વડોદરાની લેબ ખાતે મોકલવામાં આવ્યા છે જયારે આ નમુનાનો રિપોર્ટ લેબમાંથી આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે તેવું ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીએ જણાવ્યું હતું.ઙ્ગ અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી હળવદ પંથકમાં મિનરલ વોટરના નામે બેરોકટોક પણે પાણીનો વેપલો ચાલી રહ્યો છે ત્યારે આ ધારાધોરણ વગરના પ્લાન્ટો ઉપર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાય તો મોટા ભાગના મીનરલ વોટરના પ્લાન્ટોને અલીગઢી તાળા લાગે તેમ છે.

(12:01 pm IST)