Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

કાલથી જગ વિખ્યાત સાળંગપુર મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાશે

પ્રિઝરને સૅનેટાઇઝ કરાયું : આખા મંદિરમાં ખાસ વન વે તૈયાર : થાળ-ભેટ કાર્યાલય શરૂ : ભોજનાલય પૂજા પાઠ ધર્મશાળા બંધ રખાઈ

ગાંધીનગર: બોટાદ જિલ્લાના જગપ્રસિદ્ધ સાળંગપુર મંદિરના દ્વાર યોગીની એકાદશી આવતી હોવાથી કાલે 17 જૂન સવારથી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. રાજ્યના ઘણા મંદિરો શરૂ નથી થયા ત્યારે સાળંગપુર હનુમાન મંદિર સોશિયલ ડિસ્ટસિંગની કાળજી સાથે શરૂ કરવામાં આવશે.

બોટાદ જિલ્લાના જગપ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિર અઢી મહિનાના લોકડાઉન બાદ આવતીકાલથી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. સાળંગપુર હનુમાન મંદિર પરિસરને સેનેટાઇઝ કરવામાં આવ્યુ છે અને આખા મંદિરમાં ખાસ વન વે તૈયાર કરવામાં આવ્યુ છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી દર્શનાર્થી દર્શન કરવા માટે અંદર આવે અને દર્શન કરીને બીજા દ્વારેથી સીધા બહાર નીકળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિરમાં સ્વયંસેવકો ઉપરાંત બોટાદ જિલ્લાની પોલીસની પણ મદદ લેવામાં આવી છે અને સોશિયલ ડિસ્ટસિંગની પુરતી કાળજી લેવાય તેવી વ્યવસ્થા મંદિરના સંચાલકો દ્વારા કરવામાં આવી છે.

સાળંગપુર મંદિરના વ્યવસ્થાપક કિશોરભાઇ શેઠના જણાવ્યા અનુસાર, મંદિરમાં દેવ દર્શન અને થાળ-ભેટ કાર્યાલય જ શરૂ કરવામાં આવ્યુ છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે ભોજનાલય, પૂજા પાઠ, ધર્મશાળા બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત 65 વર્ષથી ઉપરના વડિલ તેમજ 10 વર્ષથી નાના બાળકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહી. મંદિરની અંદર દર્શનાર્થીઓ કોઇ પણ વસ્તુને અડે નહી તે માટે સ્વયંસેવકોની ફોજ ઉતારવામાં આવી છે. સાળંગપુર હનુમાન મંદિર વિશાળ પરિસરમાં આવેલુ હોવાથી મંદિર પરિસરમાં દર 20 ફૂટના અંતરે સેનેટાઇઝર મશીન લગાવવામાં આવ્યા છે. દર્શનાર્થીઓ મંદિર પરિસરમાં માસ્ક પહેરીને આવે તેની પણ કાળજી લેવામાં આવી છે.

(9:11 pm IST)